BREAKING NEWS

વાહનચાલકોને દિવાળી ટાણે જ ઝટકોઃ અદાણી CNGમાં રૂ. 2.30નો ભાવ વધારો ઝીંક્યો, જાણો હવે નવો ભાવ કેટલો થયો?

  • November 05, 2026 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદીઓને દિવાળીના તહેવાર પહેલા જ મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા સીએનજી (CNG) ના ભાવમાં માત્ર ૧૪ દિવસના ટૂંકા ગાળામાં જ બીજો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વખતે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૨.૩૦નો વધારો કરવામાં આવતા સીએનજીના નવા ભાવ રૂ. ૧૦૦.૭૭ ને વટાવી ગયા છે. અગાઉ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એકસામટો રૂ. ૪ થી વધુનો વધારો ઝીંકતા સીએનજી પ્રતિ કિલોએ રૂ. ૯૮.૪૭ પર પહોંચી ગયો હતો. તહેવારની મોસમમાં જ ભાવ વધારો થતાં સામાન્ય જનતા અને વાહનચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.   


આ સતત ભાવ વધારાને કારણે ટેક્સી અને ઓટો-રિક્ષાના ભાડાં પણ આકાશ આંબી શકે છે, જેની સીધી અસર મુસાફરોના બજેટ પર પડશે. અગાઉ ૧ ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં ૪ રૂપિયાનો વધારો થયો હતો, ત્યારબાદ ઓક્ટોબરમાં પણ ૪ રૂપિયાનો વધારો ઝીંકાયો અને હવે તાજેતરમાં સીધો ૨.૩૦ રૂપિયાનો વધારો જીરવાયો છે. આમ, છેલ્લા ત્રણ જ મહિનામાં સીએનજીના ભાવમાં થયેલા અતિશય વધારાને કારણે કિંમતો સીધી ૧૦૦ રૂપિયાને પાર નીકળી ગઈ છે.   


સીએનજી ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

ગેસ ખરીદીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો

નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ હાજર બજારમાં એલએનજી (LNG) ના ઊંચા ભાવોને કારણે સીએનજી ખરીદવાનો સરેરાશ ખર્ચ ખૂબ વધી ગયો છે.


નવા કૂવાના ગેસની અછત

સસ્તા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG) ની ફાળવણી ઘટવાથી સીએનજીની માંગ પૂરી કરવા ઓછા ખર્ચે ગેસ મેળવવાની ઉપલબ્ધતા ઘટી છે.


પ્રાથમિકતા ધરાવતા ગેસની ઓછી ઉપલબ્ધતા

૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના HPHT ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, પ્રાથમિકતાવાળા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થવાથી સીએનજી માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા મર્યાદિત બની છે.


આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવોમાં અસાધારણ ઉછાળો

વૈશ્વિક બજારમાં સ્પોટ એલએનજી (LNG) ના ભાવ ફેબ્રુઆરી ૨૦૨૬ માં આશરે ૧૦ થી ૧૨ યુએસ ડોલર MMBtu હતા, જે વધીને હાલમાં આશરે ૩૦ યુએસ ડોલર MMBtu સુધી પહોંચ્યા છે. જેના લીધે આયાતી ગેસનો આર્થિક બોજ ઘણો વધ્યો છે.


ઉત્પાદન ક્ષેત્રે પુરવઠાની મર્યાદાઓ

મુખ્ય ગેસ ઉત્પાદકો દ્વારા પુરવઠામાં સતત કાપ મૂકવામાં આવી રહ્યો હોવાથી ઊભી થયેલી ખાધને પહોંચી વળવા મોંઘા વૈકલ્પિક સ્રોતો પર નિર્ભર રહેવું પડ્યું છે.​​​​​​​


ગ્રાહકોને અવિરત પુરવઠો પૂરો પાડવા સંતુલિત સુધારાની જરૂરિયાત

આ કપરી અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને ગેસનો અવિરત પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે કંપનીએ ખરીદી ખર્ચના ભારણને આંશિક રીતે સરભર કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ ખર્ચનો મોટો હિસ્સો જાતે વહન કરીને સીએનજીના ભાવમાં આ મર્યાદિત અને માપસરનો ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આમ છતાં સામાન્ય જનતા માટે આ મોંઘવારી ભારે મુશ્કેલીરૂપ સાબિત થઈ રહી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application