BREAKING NEWS

હંતાવાયરસ બાદ હવે 'નોરોવાયરસ'નો હાહાકાર: કેરેબિયન ક્રૂઝ પર 100થી વધુ લોકો બીમાર, પ્રવાસીઓમાં ફફડાટ

  • May 10, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ હજુ હંતાવાયરસના ભયમાંથી બહાર આવ્યું નથી ત્યાં જ 'નોરોવાયરસ' (Norovirus) નામના નવા સંક્રમણે ચિંતા વધારી દીધી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા 'કેરેબિયન પ્રિન્સેસ' નામના લક્ઝરી ક્રૂઝ શિપ પર નોરોવાયરસ ફેલાતા ૧૧૫ લોકો એકસાથે બીમાર પડ્યા છે. જેમાં ૧૦૨ પ્રવાસીઓ અને ૧૩ ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.


ક્રૂઝ પર અચાનક ફેલાયું સંક્રમણ

અમેરિકાની આરોગ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) ના જણાવ્યા અનુસાર, ૨૮ એપ્રિલના રોજ ફ્લોરિડાથી ઉપડેલા આ જહાજમાં કુલ ૩,૧૧૬ મુસાફરો અને ૧,૧૩૧ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ૭ મે સુધીમાં બીમાર લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદા (૩%) કરતા વધી જતા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. બીમાર થયેલા લોકોમાં ઉલ્ટી, અતિસાર (ઝાડા) અને પેટમાં દુખાવા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા છે.


હંતાવાયરસના મોતના સમાચાર બાદ નવી આફત
થોડા દિવસો પહેલા જ એક અન્ય ક્રૂઝ શિપ પર હંતાવાયરસના કારણે ત્રણ લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ નોરોવાયરસના કેસોએ પ્રવાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે, ક્રૂઝ કંપનીનું કહેવું છે કે આ સામાન્ય પેટની બીમારી જેવું સંક્રમણ છે અને ઘણા મુસાફરોની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.


શું છે આ 'નોરોવાયરસ'?

નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં સોજો લાવે છે.


લક્ષણો:
ઉલ્ટી, ઝાડા, પેટમાં મરોડ આવવો, હળવો તાવ અને શરીરમાં દુખાવો.


કેવી રીતે ફેલાય છે?: તે દૂષિત ખોરાક, પાણી, ગંદી સપાટી અથવા સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કથી ઝડપથી ફેલાય છે. ક્રૂઝ શિપ જેવી બંધ જગ્યાઓમાં આ વાયરસ વણઝારની જેમ પ્રસરે છે.


​​​​​​​સફાઈ અને સેનિટાઈઝેશન પર ભાર

સંક્રમણ ફેલાયા બાદ જહાજ પર સફાઈ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ૧૧ મેના રોજ જ્યારે જહાજ 'પોર્ટ કેનાવેરલ' પહોંચશે ત્યારે આખા શિપને સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટ (Disinfect) કરવામાં આવશે. હાલમાં મુસાફરોને સાવચેતી રાખવા અને વારંવાર હાથ ધોવા માટે સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application