BREAKING NEWS

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વોઇસ રેકોર્ડિંગ જાહેર નહીં કરીએઃ AAIBનું સુપ્રીમમાં સોગંદનામું

  • July 15, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતની તપાસ સાથે સંબંધિત રેકોર્ડ અને ખાસ કરીને કોકપિટ વોઇસ રેકોર્ડિંગ (સીવીઆર) જાહેર કરી શકાય નહીં, કારણ કે પ્રવર્તમાન કાયદો આની મંજૂરી આપતો નથી. નોંધનીય છે કે, આ વિમાન દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.

એએઆઇબી દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ વિગતો કોઈપણ ત્રાહિત પક્ષ, બહારની સમિતિ કે સામાન્ય જનતા સાથે શેર કરી શકાશે નહીં. જેમ કે, કોકપીટ વોઇસ રેકોર્ડિંગ (સીવીઆર) અને વિમાનની અંદરથી લેવાયેલા અન્ય વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ્સ. તપાસ દરમિયાન નોંધવામાં આવેલા સાક્ષીઓના નિવેદનો. પાઇલટ, એરલાઇન અને અન્ય ટેકનિકલ સ્ટાફ વચ્ચેની આંતરિક વાતચીત. એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) અને એરક્રાફ્ટ વચ્ચેનું કમ્યુનિકેશન રેકોર્ડિંગ. અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો તેમજ ઈજાગ્રસ્તોની વ્યક્તિગત અને તબીબી માહિતી.

વિમાન દુર્ઘટનાના તપાસ નિયમો, 2025ના નિયમ 17(5) હેઠળ, કોકપીટ વૉઇસ રેકોર્ડિંગ્સ અને ફ્લાઇટમાં રેકોર્ડિંગ્સ જાહેર કરવા પર કાનૂની પ્રતિબંધ છે. બ્યુરો અનુસાર, જો સાક્ષીઓ અથવા એરક્રાફ્ટ ઓપરેશનમાં સામેલ વ્યક્તિઓને ડર હોય કે તેમના નિવેદનો પછીથી જાહેર કરવામાં આવશે, તો તે ખુલ્લેઆમ માહિતી જાહેર કરશે નહીં.

આ તપાસ માત્ર ભારતીય નિયમો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના અનુસૂચિ 13 અને શિકાગો કન્વેન્શન હેઠળ ચાલી રહી છે. આ તપાસનો હેતુ કોઈને ગુનેગાર સાબિત કરવાનો નથી, પરંતુ અકસ્માત પાછળના મૂળ કારણો શોધીને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવાનો છે.

12મી જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171એ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેક-ઓફ્ની ગણતરીની મિનિટોમાં જ આ વિમાન એક મેડિકલ કોલેજના હોસ્ટેલમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે જમીન પર હાજર 19 સ્થાનિક લોકો પણ કાળનો કોળિયો બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application