ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે એક મહત્વનો જાહેર પત્ર બહાર પાડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂજ્ય બજરંગદાસ બાપાના પવિત્ર સ્વરૂપ સાથે થઈ રહેલી છેડછાડ અંગે ટ્રસ્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. આશ્રમ દ્વારા ભાવિકોને આવા એઆઈ જનરેટેડ અને ભ્રામક ફોટા-વીડિયોથી સાવધાન રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ, ફોલોઅર્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં કેટલાક લોકો દ્વારા પૂજ્ય બાપાના નામે અનેક બનાવટી તથા ભ્રામક ફોટા તેમજ રીલ્સ બનાવીને વાયરલ કરવામાં આવી રહી છે. આ અંગે બગદાણા ટ્રસ્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આવી બનાવટી સામગ્રી શેર કરવી કે વાયરલ કરવી એ પૂજ્ય બાપાના પવિત્ર સ્વરૂપ અને ભક્તોની શ્રદ્ધા સાથે મોટો અન્યાય છે. આથી, ટ્રસ્ટે ભાવિકોને આગ્રહભરી વિનંતી કરી છે કે આવી ખોટી કે બનાવટી સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કે પ્રસારિત કરવાથી દૂર રહેવું.
ટ્રસ્ટે પોતાના જાહેર પત્રમાં સ્પષ્ટપણે તાકીદ કરી છે કે કોઈપણ ભ્રામક એઆઈ-જનરેટેડ ફોટા કે વીડિયો પર વિશ્વાસ ન કરવો. પૂજ્ય બાપા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાની પવિત્રતા જળવાઈ રહે તે માટે તમામ શ્રદ્ધાળુઓએ જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ. સોશિયલ મીડિયામાં વહેતી થતી આવી કોઈ પણ અસત્ય કે છેડછાડ કરેલી સામગ્રીને આગળ પ્રોત્સાહિત ન કરવા અને પૂજ્ય બાપાની ગરિમા જાળવી રાખવા માટે આશ્રમ ટ્રસ્ટે તમામ ભક્તોને સહયોગ આપવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application