BREAKING NEWS

એપલની સેવાઓ બંધ, લાખો ગ્રાહકો પરેશાન અમેરિકાની જાસૂસી સંસ્થાનું નેટવર્ક પણ ઠપ્પ

  • November 18, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક મોટી ટેક્નિકલ ખામીઓ સર્જાઈ રહી છે. વિમાની સેવાઓ, બેન્કિંગ અને માઈક્રોસોફ્ટની ઓનલાઈન સેવાઓ ખોરવાયા બાદ હવે એપલની અનેક સેવાઓ બંધ પડી હતી. આ સાથે અમેરિકાની અત્યંત મહત્વની ગુપ્તચર સંસ્થા નેશનલ સિક્યોરિટી એજન્સીના આંતરિક સંચાર નેટવર્કમાં પણ ખામી સર્જાઈ હતી. એક પછી એક મહત્વની વ્યવસ્થાઓ ખોરવાતાં અમેરિકાની ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થયા છે.



મંગળવારે એપલની આઈક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, એપલ મ્યુઝિક અને એપલ સપોર્ટ સહિતની સેવાઓમાં ખામી સર્જાઈ હતી. હજારો ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં લોગઈન કરી શકતા નહોતા. કેટલાક ગ્રાહકોના એકાઉન્ટ આપોઆપ લોગઆઉટ થઈ ગયા હતા. ફરી લોગઈન કરવાનો પ્રયાસ કરતાં કનેક્શન અને વેરિફિકેશનની સમસ્યાઓ સર્જાતી હતી.



અમેરિકા ઉપરાંત બ્રાઝિલ, ગ્રીસ અને લાતવિયામાં પણ એપલની સેવાઓ ખોરવાઈ હોવાની ફરિયાદો નોંધાઈ હતી. એપલે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આંતરિક સોફ્ટવેર અપડેટને કારણે ખામી સર્જાઈ હતી. મોટાભાગની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે અને આ ઘટના સાયબર હુમલાને કારણે બની નહોતી.



દરમિયાન અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સાના ગુપ્ત સંચાર નેટવર્કમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. નિયમિત જાળવણી દરમિયાન સંસ્થાનું આંતરિક નેટવર્ક અસ્થાયી રીતે પ્રભાવિત થયું હતું. આ નેટવર્ક દ્વારા ગુપ્તચર અધિકારીઓ અત્યંત સંવેદનશીલ માહિતીની આપલે કરે છે.



અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખામી છતાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતી મહત્વની કામગીરી ચાલુ રહી હતી. સંસ્થા પાસે વૈકલ્પિક સંચાર વ્યવસ્થાઓ હોવાથી ગંભીર અસર ટાળી શકાઈ હતી.
બીજી તરફ સાયબર સુરક્ષા સંશોધકોએ 178 સંસ્થાઓની વેબસાઈટમાં જોખમી જાવાસ્ક્રિપ્ટ કોડ મળી આવ્યા હોવાનો ખુલાસો કર્યો છે. ઝૂમ, એચએસબીસી, ઈક્વિફેક્સ, સીએનએન, સેલ્સફોર્સ અને આઈકિયા જેવી મોટી કંપ્નીઓના નામ પણ સામે આવ્યાં છે. આ કોડનો ઉપયોગ ગ્રાહકોની ચુકવણી અને ક્રિપ્ટોકરન્સી સંબંધિત માહિતી ચોરવા માટે થઈ શકતો હતો.


મેરિયટ હોટેલની બુકિંગ વ્યવસ્થામાં પણ ખામી સર્જાઈ હતી. આ પહેલાં યુનાઈટેડ એરલાઈન્સ, અમેરિકાની બેન્કો અને માઈક્રોસોફ્ટની સેવાઓ પ્રભાવિત થઈ ચૂકી છે.
જોકે આ તમામ ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અથવા તેની પાછળ કોઈ મોટો સાયબર હુમલો છે તેવા પુરાવા અત્યાર સુધી મળ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application