સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માની દફનવિધિ કરી
મળતી માહિતી અનુસાર, 18 નવેમ્બરની રાત્રે 15થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી, પરિવારે આરોપ લગાવતાં કહ્યું છે કે, ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે 32 વર્ષીય ઈર્શાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હતી. જોકે, પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી.
મોબાઈલની તપાસ કરતા શંકા પડી
દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી.આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
યુવકનું 18 નવેમ્બરની રાત્રે મોત
વડોદરાના તાંદલજા ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું કુટુંબ 18 નવેમ્બરની રાત્રે મોત થતા ઊંડી શોકમાં ગરકાવ થઈ ગયું હતું. પાંચ સભ્યોના હસતા-રમતા પરિવારમાં અચાનક એક એવો સન્નાટો છવાઈ ગયો હતો. ઈર્શાદ બંજારાનું મૃત્યુ શરૂઆતમાં એક સામાન્ય અંત જેવું લાગ્યું. પરંતુ પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક ન જોવા મળતા પરિવારજનોના મનમાં શંકા ગઈ હતી. જેથી તેમણે જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસ અધિકારીએ મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો, જેથી મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
નોર્મલ મૃત્યુ સમજીને અમે તેની દફનવિધિ કરી
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને પાણી પીધું હતું અને ચક્કર આવ્યા બાદ તે પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધો હતો. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ કહ્યું હતું કે, તેના પતિનું મૃત્યુ થયું છે. ત્યારબાદ સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા અને નોર્મલ મૃત્યુ સમજીને અમે તેની દફનવિધિ કરી હતી.
પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોક નહીં
ઈમ્તિયાઝે વધુમાં કહ્યું કે, મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોકનું ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. જેથી અમને શંકા ગઈ હતી. જેથી અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં પૂછપરછ કરી હતી. જેમાં તેને પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.