BREAKING NEWS

રાજકોટમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ જળબંબાકાર, વાહનચાલકોને પડી મુશ્કેલી

  • August 01, 2026 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન (ગઈકાલ સાંજના ૬:૦૦ વાગ્યાથી આજે સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં) મેઘરાજાની ધીમી બેટિંગ જોવા મળી છે. આ સમયગાળામાં શહેરમાં સરેરાશ ૪ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૧૦૧ મીમી (આશરે ૪ ઇંચ), વેસ્ટ ઝોનમાં ૯૧ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૬૫ મીમી વરસાદ નોંધાયો છે.


મુખ્ય માર્ગો જળમગ્ન: વાહનચાલકો અને રહીશો હાલાકીમાં

ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ગોપાલ ચોકમાં પણ બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા.


૧૫૦ ફૂટ રિંગ રોડ પર બે ફૂટ પાણી ભરાયા

શહેરની મુખ્ય ધોરી સમાન ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પણ બે ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેને પગલે લોકોને પાણીમાં વાહનો ધકેલવાની નોબત આવી હતી. તંત્રના વિવાદિત પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર ભરાયેલા પાણીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


પ્રાંત-૧ કચેરી પાસે ઝાડ ધરાશાયી: કારને નુકસાન

વરસાદ અને પવનના કારણે અકસ્માતની ઘટના પણ સામે આવી છે. રાજકોટ પ્રાંત-૧ કચેરી પાસે એક મોટું ઝાડ અચાનક ધરાશાયી થઈને ત્યાં પાર્ક કરેલી એક સરકારી કર્મચારીની કાર પર ખાબક્યું હતું. આ ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે તે સમયે કારમાં કે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

રાજકોટના મેયર નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે વરસાદમાં ફિલ્ડમાં ઉતર્યા છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application