BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા​​​​​​​: બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટથી ધુમાડા; સદનસીબે જાનહાનિ ટળી

  • August 01, 2026 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા​​​​​​​: બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટથી ધુમાડા; સદનસીબે જાનહાનિ ટળી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી થોડા સમય માટે પુલ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સમયસર સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની ન હતી.

મળતી માહિતી મુજબ, અંદાજે રૂ. 960 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુ પર સ્થાપિત સોલાર પેનલના એક યુનિટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે પેનલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તે સમયે પુલ પર વાહનોની અવરજવર નિયમિત રીતે ચાલુ હતી. ધુમાડો દેખાતા કેટલાક વાહનચાલકોએ સાવચેતી રાખી હતી અને ઘટનાની જાણ સંબંધિત તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી.

સુદર્શન સેતુ ધાર્મિક અને પ્રવાસન દૃષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીંથી અવરજવર કરે છે. આવી સ્થિતિમાં સોલાર પેનલમાં સર્જાયેલી ખામીએ સેતુ પરની ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની સલામતી અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

​​​​​​​સ્થાનિક લોકો અને વાહનચાલકોનું કહેવું છે કે વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સેતુ પર લગાવવામાં આવેલી તમામ સોલાર પેનલો તથા તેની સાથે સંકળાયેલી વીજ વ્યવસ્થાનું તાત્કાલિક નિરીક્ષણ કરવું જરૂરી છે. જ્યાં જરૂર હોય ત્યાં સમારકામ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ આવી ઘટનાઓને હળવાશથી લેવાને બદલે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application