BREAKING NEWS

અમદાવાદમાં આઠ શાળા, મોદી સ્ટેડિયમને બોમ્બ બ્લાસ્ટની ધમકી, ધમકીભર્યા મેઇલમાં શું લખવામાં આવ્યું? જાણો

  • October 27, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં ફરી એકવાર શૈક્ષણિક સંકુલો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે હડકંપ મચી ગયો હતો. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત કુલ આઠ જેટલી નામાંકિત શાળાઓને ઇ-મેઇલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર ધમકી મળતા જ વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ તાત્કાલિક પોતાના બાળકોને સ્કૂલેથી લેવા દોડી આવ્યા હતા. 


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૧ મહિનામાં અમદાવાદની સ્કૂલોને આ પ્રકારે ધમકી મળવાની આ આઠમી ઘટના છે.   


આ ધમકીભર્યા ઈમેલમાં માત્ર શાળાઓ જ નહીં, પરંતુ આગામી ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી. મેઇલમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે કે 'બચ્ચન મુંબઈમાં અને દલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે'. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવેલા આ મેઇલમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પોતાના બાળકોને દિલજીતના શોમાં ન મોકલે. આ ઉપરાંત, શાળાઓમાં બપોરે ૧:૧૧ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ હતી અને મોટેરા સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.   


સેટેલાઈટની નારાયણ ગુરુ સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ. સેમેસ્ટર-૩ ની પરીક્ષા યોજાવાની હતી અને સવારે ૧૧ વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી. આ ધમકીને કારણે અંદાજે ૭૫૦ જેટલા પરીક્ષાર્થીઓને શરૂઆતમાં શાળામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવ્યા બાદ જ્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન ત્યારે તમામ પરીક્ષાર્થીઓને સુરક્ષિત રીતે કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 


શાળાઓને મળેલી ધમકી અંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે જે શાળાઓને આવા ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા તેમની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને સલામતીના ભાગરૂપે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી વાલીઓને સોંપી દેવા આદેશ કરવામાં આવ્યો હતો.   


સામે આવેલા ધમકીભર્યા ઇ-મેઇલની વિગતો મુજબ, મોકલનારે અત્યંત વિચિત્ર અને ડરામણી બાબતો નોંધી છે જેમાં 'બોમ્બ આઈફોન ધમાકા થશે' અને '૧૯૮૫ના દિલ્હી ટ્રાન્ઝિસ્ટર બોમ્બની જેમ આઈફોન ફાટશે' તેવી વાતો લખીને રસ્તા પર આઈફોન મળે તો ન લેવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટ માટે બપોરે ૨:૧૧ વાગ્યાનો, ઓફિસો માટે ૩:૧૧ વાગ્યાનો અને મોદી સ્ટેડિયમ માટે રાત્રે ૯:૧૧ વાગ્યાનો સમય ધમકીમાં દર્શાવવામાં આવ્યો છે. તેમજ ૨૧ નવેમ્બરે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનની મુસાફરી ન કરવાની ચેતવણી અપાઈ છે. આ ઇ-મેઇલના અંતે 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા (પરમાર-કેનેડા)' જેવા સંગઠનો અને કેટલાક વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા છે. હાલ પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો સંયુક્ત રીતે આ ગંભીર ધમકી પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.   


આ આઠ શાળાને મળી ધમકી   

1. ડીપીએસ, બોપલ   

2. નારાયણ ગુરુ, સેટેલાઇટ   

3. પોદાર ઇન્ટરનેશનલ, ચાંદખેડા   

4. એશિયા, થલતેજ   

5. દિવ્ય પથ, મેમનગર   

6. માઉન્ટ કાર્મેલ, આશ્રમ રોડ   

7. વિદ્યા ભારતી, સેટેલાઇટ   

8. સી.એન. વિદ્યાલય, આંબાવાડી   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application