BREAKING NEWS

જામજોધપુરના ઈશ્વરિયા ગામમાં મકાનમાંથી ૩.૪૦ લાખની રોકડની ચોરી

  • October 27, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના ઈશ્વરિયા ગામમાં મકાનમાંથી ૩.૪૦ લાખની રોકડની ચોરી

મિત્ર પર આરોપ : સારવાર માટે જામનગર ગયા અને પાછળથી રોકડ ગાયબ :  : જમીનમાં ખાડો કરીને સ્ટીલના ડબ્બામાં સંતાડી હતી

જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામે એક પરિવારે ઘરના બીજા રૂમમાં ઢોરના ડૂચા નીચે સ્ટીલના ડબ્બામાં સંતાડીને રાખેલા ૩.૪૦ લાખની રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. ગર્ભવતી મહિલાને સારવાર માટે જામનગર જવાનું હોવાથી દંપતીએ પોતાના મિત્રને ઘરની ચાવીઓ સોંપી હતી. સારવાર બાદ ઘરે પરત ફર્યા ત્યારે રોકડ રકમમાંથી મોટાભાગની રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ ચોરીમાં મિત્ર અમિત ઉર્ફે લાલો ડાંગર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, ઈશ્વરિયા ગામમાં રહેતા પશુપાલક દંપતી પાસે ખેતીની જમીન પણ છે. ખેતરમાં થયેલી ઉપજ વેચતાં રૂ. ૨.૫૦ લાખ, ભેંસ વેચતાં રૂ. ૬૦ હજાર અને પાડો વેચતાં રૂ. ૧૧ હજાર મળીને કુલ રૂ. ૩.૭૧ લાખની રોકડ તેમણે ઘરના રૂમમાં ડૂચા નીચે ખાડો કરીને તેમાં સંતાડેલા સ્ટીલના ડબ્બામાં રાખી હતી.

તા. ૯ ઓક્ટોબરના રોજ પત્નીને સારવાર માટે જામનગરની શ્રીજી હોસ્પિટલમાં લઈ જવાનું હોવાથી પતિ અરશીભાઈએ પોતાના મિત્ર અમિત ઉર્ફે લાલો ડાંગર અને તેની પત્નીને ઘરે બોલાવ્યાં હતાં. દંપતીએ પશુઓની દેખરેખ રાખવા માટે મિત્રને જણાવ્યું હતું. આ દરમિયાન પતિએ સ્ટીલના ડબ્બામાંથી હોસ્પિટલના ખર્ચ માટે રૂ. ૧૧ હજાર કાઢ્યા હતા. ત્યારબાદ ઘરના બંને રૂમ, બે અન્ય દરવાજા અને મુખ્ય દરવાજાને તાળાં મારી તેમની ચાવીઓ મિત્રને સોંપીને દંપતી ઈકો ગાડીમાં જામનગર જવા રવાના થયું હતું.

સાંજે પરત ફર્યા બાદ મિત્ર ચાવીઓ આપવા ઘરે આવ્યો હતો. બીજા દિવસે નવજાત બાળક માટે કપડાં અને ગોદડી ખરીદવા રોકડ કાઢવા જતાં સ્ટીલના ડબ્બામાં માત્ર રૂ. ૧૯ હજાર જ મળી આવ્યા હતા. બાકીના રૂ. ૩.૪૦ લાખ ગાયબ હોવાથી દંપતીને ચોરી થયાની શંકા ગઈ હતી. પતિએ મિત્રને ફોન કરીને પૂછપરછ કરતાં તે બહારગામ હોવાનું કહી આવ્યો નહોતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, તા. ૧૫ ઓક્ટોબરના રોજ દંપતીએ ઘરની વીજળી બંધ હોવાના બહાને મિત્રને ઘરે બોલાવ્યો હતો અને રોકડ રકમની ચોરી અંગે પૂછતાં તેણે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ દંપતી જામજોધપુરના વકીલ મારફતે લેખિત અરજી લઈને પોલીસ મથકે પહોંચ્યું હતું. ત્યાં પોલીસની પૂછપરછ દરમિયાન અમિત ઉર્ફે લાલો ડાંગરે રોકડ રકમની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને હાલમાં નાણાં વપરાઈ ગયાં હોવાનું જણાવી છ મહિનામાં પરત આપવાનું કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, દંપતીએ તેના પર વિશ્વાસ ન રહેતાં વાડીના માલિકને વચ્ચે રાખવાની વાત કરી હતી. 

આ બનાવ અંગે ઇશ્ર્વરીયા ગામમાં રહેતી પ્રિયાબેન બડીયાવદરા દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અમિત ઉર્ફે લાલો હમીરભાઇ  ડાંગર (રહે. ઇશ્ર્વરીયા વાડી વિસ્તાર) સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application