BREAKING NEWS

જામનગર: આયુર્વેદમાં ઓપરેશન આર્શીવાદરૂપ, ઇટ્રામાં ૬ વર્ષમાં ૫૮૪૮ સર્જરી

  • October 27, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: આયુર્વેદમાં ઓપરેશન આર્શીવાદરૂપ, ઇટ્રામાં ૬ વર્ષમાં ૫૮૪૮ સર્જરી

સુભગ સમન્વય: ઇટ્રામાં આયુર્વેદીક સારવારની સાથે અલાયદા શલ્યવિભાગમાં હરસ,મસા, સારણગાંઠ સહીત લેપરોસ્કોપીક, રેકટોપેકસી, લેસર,એમ્પ્યુટેશન,સ્કીન ગ્રાફટીંગ સહીતનીે શસ્ત્રક્રિયા

ડાયાબીટીસ અને અન્ય કોઈ કારણથી ન રૂઝાતા ઘાવ માટે પણ સંપૂર્ણ ચિકિત્સા  ઉપલબ્ધ: આધુનીક સુવિધા અને સાધનો સાથે મેજર અને માઇનોર ઓપરેશન રૂમ કાર્યરત

આયુર્વેદીક ચિકિત્સા પઘ્ધતિમાં ઓપરેશન આજે પણ લોકોમાં આશ્ર્ચર્ય અને અજુગતી બાબત છે. પરંતુ આયુર્વેદમાં ઓપરેશન હવે આર્શીવારૂપ બન્યા છે. જેનો જીવંત પુરાવો જામનગરમાં કાર્યરત ઇટ્રા એટલે કે આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનમાં જોવા મળી રહ્યો છે. કારણ કે, ઇટ્રામાં છેલ્લાં ૬ વર્ષમાં ૫૮૪૮ સર્જરી કરવામાં આવી છે. ઇટ્રામાં આયુર્વેદીક સારવારની સાથે અલાયદા શલ્યવિભાગમાં હરસ,મસા, સારણગાંઠ સહીત લેપરોસ્કોપીક, રેકટોપેકસી, લેસર,એમ્પ્યુટેશન,સ્કીન ગ્રાફટીંગ સહીતનીે શસ્ત્રક્રિયા કરવામાં આવી રહી છે. સર્જરી માટે આધુનીક સુવિધા અને સાધનો સાથે મેજર અને માઇનોર ઓપરેશન રૂમ કાર્યરત છે. આટલું જ નહીં ડાયાબીટીસ અને અન્ય કોઇ કારણથી ન રૂઝાતા ઘાવ માટે પણ સંપૂર્ણ ચિકિત્સા ઉપલબ્ધ છે. 

જામનગરએ આયુર્વેદનું કાશી ગણાય છે. કારણ કે, દેશની પહેલી આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના અહીં થઇ છે. જે વિશ્ર્વવિખ્યાત છે. આથી અહીં અન્ય દેશમાંથી પણ વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. ગત તા.૧૫-૧૦-૨૦૨૦ના રોજ જામનગરમાં ઇટ્રાની સ્થાપના કરવામાં આવી હતી. ઇટ્રાને રાષ્ટ્રીય  મહત્વના સંસ્થાનનો દરરજો મળ્યો છે. જામનગર સ્થિત આયુષ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ઈટ્રા) ખાતે શલ્યવિભાગ શસ્ત્રક્રિયાઓ માટેનો અલાયદો શલ્યવિભાગ કાર્યરત છે. અહીં છેલ્લાં છ વર્ષમાં એટલે સ્થાપનાથી લઇને વર્ષ-૨૦૨૬માં સપ્ટેમ્બર સુધીમાં કુલ-૫૮૪૮ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં ૨૨૪, વર્ષ ૨૦૨૨માં ૫૬૮, વર્ષ ૨૦૨૩માં ૧૧૬૦, વર્ષ ૨૦૨૪માં ૧૫૩૪, વર્ષ ૨૦૨૫માં ૧૩૨૪, અને ચાલુ વર્ષ ૨૦૨૬માં સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ ૧૦૩૮ સર્જરીનો સમાવેશ થાય છે.

શલ્ય વિભાગમાં હરસ, મસા, ભગંદર, સારણ ગાંઠ, હરનીયા, એપેન્ડીક્ષ, વધરાવળ, ડાયાબિટીસ દર્દીને થતાં પગમાં ચાંદા કે ન રૂજાતા ઘાવના ભાગોના ઓપરેશન કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ આધુનિક જમાના સાથે મોડર્ન તબીબી વિજ્ઞાન સાથે સંકળાયેલી સર્જરીઓ જેવી કે સારણગાંઠ સર્જરી, લેપરોસ્કોપિક સર્જરી, રેકટોપેકસી, લેસર સર્જરી, એમ્પ્યુટેશન, ગાયનેકોમેસ્ટિયા, ઓર્ચિડેકટોમી, હાઇડ્રોસીલ(વધરાવળ) અને સ્કીન ગ્રાફટિંગ જેવી સર્જરીઓ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે. શલ્ય વિભાગમાં આ સર્જરી (શસ્ત્રક્રિયાઓ) માટે ખાસ પ્રકારના બે ઓપરેશન થિયેટર એટલે કે મેજર અને માઇનોર સર્જરી રૂમની સુવિધા ઉપલબ્ધ છે .જ્યાં નિષ્ણાત તબીબ દ્વારા શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ બંને ઓપરેશન રૂમમાંં આધુનિક ટેકનોલોજીના સાધનો જેવા કે લેપરોસ્કોપ, લેઝર મશીન,ક્રાયોમશીન જેવા જરૂરી સાધનો ઉપલબ્ધ છે. 

ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. ડો.તનુજા નેસરીએ જણાવ્યું હતું કે, હરસ વાઢીયા કે ચીરા ભગંદર જેવા રોગો અનુક્રમે ૨૮ ટકા, ૪ ટકા અને ૨૦ ટકા ફરી થવાની સંભાવના હોય છે પરંતુ ઓપરેશન બાદ ખાન-પાન અને જીવનશૈલીના સુધારાથી આ પ્રમાણ ઘટીને ૨ ટકા કે તેનાથી ઓછું થાય છે. જામનગર ઇટ્રામાં  ઉપલબ્ધ સુવિધાનો  દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. શલ્ય વિભાગના વડા પ્રો. ડો. ટી.એસ.દૂધમલે જણાવ્યું હતું કે, ડાયાબીટીસને લીધે થયા ઘાવ કે બીજા કોઈ કારણથી ન રૂઝાતા ઘાવ માટે સંપૂર્ણ ચિકિત્સા પણ ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના ઘૃત, તેલથી ડ્રેસિંગ, લીચ (જાડો) થેરાપી, વુંડડ્રેબરાયમેન્ટ અને ખાર પ્રકારનો ડાયટ પ્લાન પણ દર્દીઓને આપવામાં આવે છે જેથી ઝડપી સ્વસ્થ બની શકે. આમ ઇટ્રામાં જરૂરી દર્દીઓના કરવામાં આવતા ઓપરેશન ૯૮ ટકા સફળ રહેતા આયુર્વેદીક સારવારની સાથે સર્જરી એટલે કે ઓપરેશન પણ દર્દીઓ માટે આર્શીવાદરૂપ બન્યા છે.  

ખાનગી હોસ્પિટલોમાં રૂ.૨૫૦૦૦-૫૦૦૦૦માં થતી સર્જરી, ઇટ્રામાં રૂ.૧૦૦ થી ૨૦૦માં:
જામનગરમાં કાર્યરત ઇટ્રામાં શલ્યવિભાગમાં આધુનિક સુવિધા અને સાધનોથી સજજ ઓપરેશન રૂમમાં જુદી-જુદી સર્જરી કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી માટે રૂ.૨૫૦૦૦ થી ૫૦૦૦૦ નો ખર્ચ દર્દીને થાય છે. પરંતુ ઇટ્રામાં આ સર્જરી રૂ.૧૦૦ થી ૨૦૦ માં કરવામાં આવી રહી છે. આટલું જ નહીં ઇટ્રામામં બીપીએલ કાર્ડધારકો અને વિધવાઓને આ સર્જરી ફ્રી છે એટલે કે તેઓને કોઇ ખર્ચ કરવો પડતો નથી.

વિશ્ર્વની પહેલી શસ્ત્રક્રીયા આયુર્વેદાચાર્ય સુશ્રુતે કરી હતી:
આયુર્વેદ અને ઓપરેશન (વાઢકાપ) એ સામાન્ય રીતે લોકોને આશ્ર્ચર્યની વાત લાગે છે. પરંતુ તેના મૂળ આયુર્વેદ સાથે ખૂબ જ ઊંડા અને મજબૂત છે. મહાન આયુર્વેદાચાર્ય સુશ્રુત દ્વારા વિશ્ર્વની સૌથી પહેલી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી .આટલું જ નહીં પરંતુ શાસ્ત્ર ક્રિયાના પ્રણેતા તરીકે પણ તેઓને જ નવાજવામાં આવ્યાં છે.

ઓપરેશનમાં ૨૦ મીનીટથી અઢી કલાકનો સમય, સર્જરી બાદ દર્દીઓની સારવાર:
જામનગરમાં કાર્યરત ઇટ્રાના શલ્યવિભાગમાં જુદા-જુદા રોગમાં જરૂર પ્રમાણે ઓપરેશન કરવામાં આવે છે. જુદી-જુદી સર્જરીમાં ૨૦ મીનીટથી અઢી કલાકનો સમય થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આટલું જ નહીં ઓપરેશન બાદ દર્દીઓને જરૂરિયાત મુજબ ૩ થી  ૫ દીવસ સારવાર માટે રાખી દવા પણ આપવામાં આવે છે. આમ ઓપરેશન બાદ પણ દર્દીઓની સંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application