BREAKING NEWS

પોરબંદરના બંને કામદાર કલ્યાણ કેન્દ્રો પોણા બે કરોડના ખર્ચે થશે ધમધમતા

  • October 02, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક સમયે પોરબંદર શહેરના કામદાર કલ્યાણ કેન્દ્રો અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા અને ધબકતા હતા છેલ્લા કેટલાક વર્ષોથી તે બંધ થઈ ગયા છે અને ઇમારત પણ બિસ્માર થઈ ગઈ છે, ત્યારે પોરબંદર શહેરને આ બંને કામદાર કલ્યાણ કેન્દ્રોને પુન: ધબકતા કરવા માટે પોરબંદરના ધારાસભ્ય એ મુખ્યમંત્રી અને શ્રમ રોજગાર મંત્રીને ભલામણ સાથેની રજૂઆત કરી હતી અને તે અનુસંધાને કડિયાપ્લોટ કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણ માટે ૭૧,૩૬,૭૦૦ની મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે તો બીજી બાજુ છાયા ચોકીથી બિરલા ફેક્ટરી તરફ જતા રસ્તે આવેલા બિરલા સાગર રોડ પરના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણ અને કમ્પાઉન્ડ વોલ માટે ‚પિયા ૧,૦૩,૧૦,૭૦૦ જેવી માતબર રકમને મંજૂરી મળી છે તેથી ધારાસભ્યનો શ્રમજીવી સંગઠનો એ આભાર માન્યો છે
બે કામદાર કલ્યાણ કેન્દ્રોને જીવંત બનાવવાનો નિર્ણય
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર, જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે, એ શહેર માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ શ્રમજીવી સમાજના સંગઠિત જીવન માટે પણ ઓળખાય છે. અહીં વર્ષો પહેલાં કડિયાપ્લોટ અને છાયા ચોકીથી બિરલા ફેક્ટરી તરફ જતા રસ્તે આવેલા બિરલા સાગર રોડ પર કામદાર કલ્યાણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કેન્દ્રોમાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રોજગાર તાલીમ, મહિલા વિકાસ કાર્યક્રમો, બાળકો માટે અભ્યાસકક્ષાની પ્રવૃત્તિઓ યોજાતી હતી.પણ છેલ્લા કેટલાંક વર્ષોથી આ કેન્દ્રો બંધ પડયા હતા. બંધ પડેલી ઇમારતો નિરજીવ બની ગઈ હતી. એક સમયે જ્યાં યુવાનોના નાદો ગુંજતા, બાળકોનો હાસ્યવિલાસ ગુંજતો, મહિલાઓ માટે કૌશલ્ય તાલીમ યોજાતી  તે સ્થળો સુન્ન બની ગયા હતા.પોરબંદર માટે નવી આશા સાથે ફરી એક વખત આ કેન્દ્રોને જીવંત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવીનીકરણ માટે પોણા બે કરોડની માતબર રકમની મંજુરી
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહભાઈ રાજપૂત પાસે નવીનીકરણ માટે ભલામણ સાથેની રજૂઆત કરી હતી.કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી  ડો.મનસુખભાઈ માંડવીયા એ તાકીદે પોરબંદરના કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી. આ બંને નેતાઓના સંકલનથી વર્ષો સુધી બંધ રહેલી ઇમારતોમાં ફરી જીવ આવશે.તેમના સંકલનથી પોરબંદરના શ્રમજીવી સમાજને ફરી નવો ઉત્સાહ મળ્યો છે. રાજ્ય સરકારે પોરબંદરના બે મુખ્ય કામદાર કલ્યાણ કેન્દ્રોના નવીનીકરણ માટે પોણા બે કરોડની મંજુરી આપી છે. કડિયાપ્લોટ કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણ માટે ૭૧,૩૬,૭૦૦ની મંજૂરી ની મહોર મારી દેવામાં આવી છે તો બીજી બાજુ છાયા ચોકીથી બિરલા ફેક્ટરી તરફ જતા રસ્તે આવેલા બિરલા સાગર રોડ પરના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણ અને કમ્પાઉન્ડ વોલ માટે રૂપિયા ૧,૦૩,૧૦,૭૦૦ જેવી માતબર રકમને મંજૂરી મળી છે આ આંકડા દર્શાવે છે કે સરકાર માત્ર કાગળ પર નહિ પરંતુ જમીન સ્તરે પણ આ કેન્દ્રોને ફરી જીવંત કરવા પ્રતિબદ્ધ છે.
સાંસ્કૃતિક વારસાની યાદો
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહભાઈ રાજપૂતને માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ આ કેન્દ્રો રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતા હતા. આ કેન્દ્રો એક સમય એવો હતો જ્યારે મહિલાઓ માટે તાલીમ, બાળકો માટે અને યુવાનો માટે રમતગમતની પ્રવૃત્તિઓ ગાજતી હતી.મણિયારા રાસને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડનાર રાણાભાઈ સીડા ની આગેવાનીમાં પોરબંદરના અનેક યુવાનોએ અહીંથી તાલીમ મેળવી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.ખાસ કરીને પોરબંદર પંથકના ખમીરવંતા મહેર સમાજનો મણિયારા રાસ- પોરબંદરની ઓળખ બની ગયો.આ મણિયારા રાસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જનાર રાણાભાઈ સીડા, જેમણે આ કામદાર કલ્યાણ કેન્દ્રના સંચાલક તરીકે નિવૃત્તિ સુધી સેવા બજાવી છે.તેમની આગેવાનીમાં પોરબંદરની મણિયારા રાસની ટીમે અનેક દેશોમાં પ્રદર્શન આપ્યું અને ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. એવા વારસાને ફરી જીવંત કરવા માટે નવીનીકરણ બાદ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની યોજના છે.
મહિલાઓ અને યુવાનો માટે ઉભી થશે અનેક તક
કામદાર કલ્યાણ કેન્દ્રો માત્ર રમતગમત કે સંસ્કૃતિ પૂરતા નથી. મહિલાઓ માટે અહીંયા ભવિષ્યમાં સિલાઈ, કઢાઈ, હેન્ડીક્રાફ્ટ, કમ્પ્યુટર તાલીમ જેવા અભ્યાસક્રમો યોજાઈ શકે છે. યુવાનો માટે કરિયર કાઉન્સેલિંગ, રોજગાર તાલીમ, ઉદ્યોગસાહસિકતા અંગે માર્ગદર્શન જેવા કાર્યક્રમો શરૂ થઈ શકે છે. આ રીતે પોરબંદરનો શ્રમજીવી વર્ગ માત્ર કામદાર તરીકે નહીં પરંતુ કુશળ માનવસંસાધન તરીકે વિકસિત થઈ શકે છે.
ધારાસભ્ય સહિત નેતાઓના પ્રયાસો રહ્યા સફળ
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહભાઈ રાજપુતને કરેલી ભલામણ સફળ રહી છે અને પોરબંદરના બંને કામદાર કલ્યાણ કેન્દ્રને શરૂ કરવા માટે પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવીયા એ પણ અધિકારીઓને તાકીદે સૂચના આપી છે ત્યારે આ તમામ નેતાઓના પ્રયાસો સફળ રહ્યા છે અને તેના કારણે પોરબંદરમાં ફરીથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કામદાર ના ઉત્થાન માટેની જુદી જુદી કામગીરીઓ ફરીથી જીવંત થશે નવીનીકરણ પૂર્ણ થયા બાદ પોરબંદરના આ કામદાર કલ્યાણ કેન્દ્રો ફરી એક વાર શિક્ષણ, સંસ્કૃતિ અને રમતગમતના કેન્દ્ર તરીકે ગુંજશે. શ્રમજીવી સમાજના બાળકો, મહિલાઓ અને યુવાનોને નવી ઓળખ આપશે.
આગેવાનોએ માન્યો આભાર
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા અને ભારતીય મજદૂર સંઘ સહિતના સંગઠનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ રોજગાર મંત્ર બલવંતસિંહભાઈ રાજપુત પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો છે અને પોરબંદરના હિત માટે હર હંમેશ અગ્રેસર રહેતી ભાજપ સરકાર પોરબંદરના વિકાસ માટે તુરંત જ સારા પ્રોજેક્ટને મંજૂરીની મહોર મારી દેતી હોવાથી રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application