જામનગર અને અમદાવાદમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા જાણીતા બિલ્ડર મેરામણ પરમારે દોઢ વર્ષ પહેલા વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના પ્રખ્યાત વાઢેર પરિવાર અને દોમડીયા પરિવારે રૂ. ૧૫૩ કરોડથી વધુની કિંમત ધરાવતી ૨૮ જેટલી મોંઘી મિલકતો સિક્યુરિટીના નામે હડપ કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)એ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ૧૧ વ્યાજખોરો સામે ગુનાહિત ષડયંત્ર રચવા તથા આપઘાતની દુષ્પ્રેરણ (આઈપીસી 306)નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મૃતક બિલ્ડર મેરામણ પરમારે વર્ષ ૨૦૧૬માં સૌરાષ્ટ્રની પહેલી રૂ. ૬.૫ કરોડની કિંમતની રોલ્સ રોયસ કાર ખરીદીને ભારે ચર્ચા જગાવી હતી. જોકે, ધંધાકીય જરૂરિયાત અર્થે લીધેલા નાણાંના વ્યાજચક્રમાં તેઓ એવા ફસાયા કે અગાઉ વર્ષ ૨૦૨૦માં પણ તેમણે માંકડ મારવાની ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેમણે જીવન ટૂંકાવી લીધું હતું. આ ચકચારી કેસમાં અડાલજ પોલીસના આકરા વલણથી જામનગર અને અમદાવાદના ભૂમાફિયાઓ અને ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.
અડાલજ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ૧૧ આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મુખ્ય આરોપીઓ તરીકે ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર અને પ્રવિણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર (તમામ રહે. આદર્શ સોસાયટી, એરોડ્રામા રોડ, જામનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દોમડીયા પરિવારના પ્રવિણ લક્ષ્મણ દોમડીયા, કાંતાબેન પ્રવિણ દોમડીયા અને વિશાલ પ્રવિણ દોમડીયા (તમામ રહે. વિશાલ જનતા સોસાયટી, જામનગર)ને પણ આરોપી દર્શાવાયા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, મેરામણભાઈએ વ્યાજ પેટે લીધેલા નાણાંની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવારે જામનગર શહેર, નાઘેડી, લાખાબાવળ, મસિતીયા, ઢીચડા, નગરસીમ અને રાવલસર ગામની સીમમાં આવેલી ૨૮ જેટલી કિંમતી જમીનો તથા પ્લોટોના વેચાણ દસ્તાવેજો પોતાના તથા પરિવારની મહિલાઓના નામે કરાવી લીધા હતા. આ ઉપરાંત, જામનગરના ઢીચડા ગામની સીમમાં આવેલી 'નંદ વિદ્યા નિકેતન સ્કૂલ'ની ૧૭,૦૨૭ ચો.મી. જમીન પૈકી ૭,૦૨૧ ચો.મી. મિલકતનો ૫૦% હિસ્સો પ્રવિણભાઈ દોમડીયાએ સિક્યુરિટી પેટે રજિસ્ટર કરાવ્યો હતો. ૫ વર્ષ સુધી વાર્ષિક ૨% લેખે કરોડોનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં દોમડીયા પરિવારે સ્કૂલનો ૧૦૦% કરાર પોતાના પુત્રના નામે કરાવી લીધો હતો અને હિસાબ ચૂકતે થયા બાદ દસ્તાવેજ પરત આપવા માટે વધારાના રૂ. ૩.૫૦ કરોડની આકરી માગણી કરી ત્રાસ આપ્યો હતો.
મેરામણભાઈના અવસાનના આશરે ૧૦ દિવસ બાદ તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેમના પત્ની કિર્તીબેનને ઘરમાંથી એક બંધ કવર મળી આવ્યું હતું. આ કવર ખોલતા તેમાંથી મેરામણભાઈના હસ્તાક્ષરમાં લખાયેલી બે સુસાઈડ નોટો મળી આવી હતી. પ્રથમ સુસાઈડ નોટ (૨૯ ડિસેમ્બર ૨૦૨૪)માં વાઢેર પરિવારે મુદ્દલ અને ત્રણ ટકા વ્યાજ વસૂલ્યા છતાં સેફ્ટી માટે લીધેલી મિલકતો પરત ન આપી ચક્રવૃદ્ધિ વ્યાજ માટે ત્રાસ આપ્યાનો આક્ષેપ હતો. જ્યારે બીજી સુસાઈડ નોટ (બીજી જાન્યુઆરી ૨૦૨૫)માં પ્રવિણ દોમડીયા અને તેના પરિવારે સ્કૂલની મિલકત પચાવી પાડી વધુ રૂ. ૩.૫૦ કરોડ માગ્યાનો આક્ષેપ કરાયો હતો, જેના આધારે બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજો ચકાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી
જામનગરના મૂળ વતની બિલ્ડર મેરામણભાઈ પરમાર ડ્રાઈવર સાથે ગત તા.10 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે અડાલજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અડાલજ ગામની સીમમાં ગાડી ઊભી રાખી ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી અને તબિયત લથડી હતી. જેના પગલે તેઓને તાત્કાલિક ગોતા-વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાતે તેનું મોત થયું હતું. એ વખતે પ્રથમ દ્રષ્ટિએ કુદરતી કે શંકાસ્પદ મૃત્યુ જણાતા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અંતિમ ક્રિયા કરી દીધી હતી.