BREAKING NEWS

રાજકોટમાં સોની બજારમાં ચાર લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ફરિયાદી જ આરોપી નીકળ્યો

  • November 18, 2026 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોની બજારમાં દિવાળી પૂર્વે ચાર લાખના સોનાની લૂંટનો શંકાસ્પદ બનાવ બન્યો હતો. સોની વેપારીના કર્મચારી પાસે લિફ્ટ માંગી પાછળ બેઠેલા શખસે અણીદાર હથિયાર અડાડી ચાર લાખના સોનાની લૂંટ ચલાવી લીધા અંગે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ રાજસ્થાની શખસોને ઝડપી લઇ ચાર લાખની કિંમતનો સોનાનો તાર કબજે કરી પખવાડિયા પૂર્વે બનેલી ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો. લૂંટના ગુનામાં ફરિયાદી બનેલા શખસની પણ મીલીભગત હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.


શહેરના સોની બજારના માંડવી ચોક પાસે બાલાજી તારવાળાની દુકાનમાં રહેતાં મૂળ રાજસ્થાનના વતની સચિન મુલારામ મીણા (ઉ.વ.૧૯) ઉમેદારામ હીરારામ ચૌહાણની સાથે રહી સોનીકામની મજુરી કરે છે. ગત તા.04/11 ના રોજ

ફરિયાદી કોઠારીયા ચોકીની સામેથી 43 ગ્રામ સોનુ લઈને એક્ટિવા પર આવતો હતો દરમિયાન એક શખ્સે એક્ટિવા ઉભું રખાવી “મુજે પૈર મે ચોટ લગી હૈ, આગે તક છોડ દે' કહ્યું હતું. જેથી ફરિયાદીએ તે શખ્સને પાછળ બેસાડી લીધેલ હતો. જણે અણીદાર હથિયાર અડાડી દઈ મારી નાખવાની ધમકી આપી 43 ગ્રામ ફાઈન સોનું જેની કિંમત રૂ. ૪ લાખની લૂંટ ચલાવી તે શખ્સ નાસી ગયેલ હતો. જે મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસિયાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ.ચાવડા, એમ એલ ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી. ઝાલા, એ એન પરમાર, વી ડી ડોડીયા, વી.ડી. રાવલીયા અને એસ.એમ. રાણાની ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ, પુષ્પરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખા અને અરવિંદભાઈ ફતેપરાને લૂંટના ગુનામાં શામેલ શખ્સોનું પગેરૂ મળી આવતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિવલાલ છોગારામ મેઘવાર (ઉવ 28 રહે. પાલી, મારવાડ, રાજસ્થાન), શ્રવણ ચેલારામ ચૌધરી (ઉવ 25 રહે. કાંદીવલી ઇસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર) અને રાજુરામ ભવરલાલ કીર (ઉવ 39 રહે. પાલી, મારવાડ, રાજસ્થાન) ને પકડી રૂ. 3.90 લાખની કિંમતનો 43.030 ગ્રામનો સોનાનો તાર કબ્જે કર્યો હતો.


વધુમાં પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે, લૂંટના ગુનામાં ફરિયાદી બનેલા સચિન મુલારામ મીણા પણ પોતે ગુનામાં સંડોવાયેલ છે. જેથી એ ડિવિઝન પોલીસે ફરીયાદીમાંથી આરોપી બનેલા શખ્સને હસ્તગત કરવા તજવીજ હાથ ધરી છે.


જવેલરીના ધંધા સાથે સંકળાયેલો શ્રવણે કાવતરૂ ઘડયુ’તુ

લૂંટના ગુનાનો ફરિયાદી સચિન મીણા અને શ્રવણ ચૌધરી બંને મિત્રો છે. શ્રવણ પોતે મુંબઈમાં ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે રાજકોટની સોની બજારમાં દરરોજ કરોડોના વહીવટ થતાં હોય તે બાબતથી બખૂબી વાકેફ હતો. જેથી તેણે મિત્ર સચિન સાથે મળીને લૂંટનું આખું કાવતરું રચ્યું હતું. શ્રવણે લૂંટના ગુનો આચરવા શિવલાલ અને રાજુરામને તૈયાર કર્યા હતા. શ્રવણ અહીં રાજકોટ ખાતે અગાઉથી પહોંચી ગયો હતો. બાદ શિવલાલ અને રાજુરામ અલગ વાહનમાં રાજકોટ પહોંચ્યા હતા. શ્રવણ પોતે સચિનનો મિત્ર હોય તેને મળવા આવ્યાનું જણાવી અગાઉથી જ સચિનના નોકરીના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાંથી સચિન સોનાનો તાર લેવા નીકળતા જ શ્રવણે વોટ્સઅપ મારફતે શિવલાલને પળેપળની અપડેટ આપી હતી. બીજી બાજુ તેણે સચિનને અગાઉથી કહી રાખ્યું હતું કે, એક વ્યક્તિ હાથ ઉંચો કરી લિફ્ટ માંગશે, જેને તું એક્ટિવામાં બેસાડી લેજે અને બાદમાં તેને સોનાનો તાર આપી દેજે. શ્રવણે આપેલા દિશા નિર્દેશ અનુસાર શિવલાલ અને સચિને કામ કરી સોનાનો તાર મેળવી લઇ લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.


શિવલાલ અને રાજુરામને 50-50 હજાર મળ્યા'તા

લૂંટના ગુનાને અંજામ આપવા શ્રવણ ચૌધરીએ બે શખ્સો શિવલાલ અને રાજુરામની વ્યવસ્થા કરી હતી. લૂંટને અંજામ આપવામાં સફળ રહ્યા બાદ શ્રવણે સોનાનો તાર પોતાની પાસે રાખ્યો હતો. જયારે શિવલાલ અને રાજુરામને 50-50 હજાર રૂપિયા આપી દીધા હતા. જયારે સોનાનો તાર વેંચીને જે પૈસા મળે તેમાંથી શ્રવણ અને સચિન બંને ભાગ બટ્ટાઈ કરી લેવાના હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application