BREAKING NEWS

તરણેતરના મેળામાં અકસ્માત: 'મોતના કૂવા'નું સ્ટેજ અચાનક તૂટતા મચી દોડધામ, સદનસીબે મોટી હોનારત ટળી

  • September 16, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના પવિત્ર સાંનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત અને ઐતિહાસિક તરણેતરનો લોકમેળો હાલ ભક્તિ, સંસ્કૃતિ અને લોકઉલ્લાસના રંગે રંગાયેલો છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬થી શરૂ થયેલા આ મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી રહ્યો છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ૨૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય સેવાઓ માટે ૧૦૦થી વધુ ડૉક્ટરો તથા સ્ટાફની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મેળાના ગ્રાઉન્ડમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે.


તરણેતરના આ લોકમેળામાં લોકોના મનોરંજન માટે બનાવવામાં આવેલા 'મોતના કૂવા' (ડેથ વેલ) પર એક અકસ્માત સર્જાયો હતો. મોતના કૂવાના આગળના ભાગમાં શ્રોતાઓ અને મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલું ઊંચું સ્ટેન્ડ અથવા સ્ટેજ અચાનક ધસી પડવાની ઘટના બની હતી. સ્ટેજ અચાનક નીચે બેસી જતાં અને તેની સાથે જોડાયેલી લોખંડની ભારેખમ એંગલ એકાએક નમી પડતાં ત્યાં હાજર લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા અથવા સ્ટેજ પાસે ઊભેલા ૪ થી ૫ જેટલા ઈસમોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


આ ગંભીર પરિસ્થિતિમાં મેળો માણવા આવેલા જાગૃત અને સાહસિક લોકોએ અદ્ભુત સમજદારી અને તાત્કાલિક સૂઝબૂઝ દાખવી હતી. લોકોએ સમય ગુમાવ્યા વગર તુરંત નમી પડેલી લોખંડની એંગલને પકડી રાખીને તેને મજબૂત ટેકો આપ્યો હતો. જાગૃત નાગરિકોની સમયસૂચકતાના કારણે સ્ટેજ સંપૂર્ણપણે ધરાશાયી થતું અટકી ગયું હતું, જેના લીધે સમયસર એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને કોઈ મોટો જાન માલનો અનર્થ થતા અટકી ગયો હતો.


આ ઘટનાની જાણ થતાં જ મેળામાં ખડેપગે રહેલી વહીવટી તંત્ર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મેળા જેવી ભીડભાડવાળી જગ્યાએ રાઈડ્સ અને મનોરંજનના સાધનોની મજબૂતાઈ તથા સુરક્ષા માપદંડો સામે આ ઘટનાએ ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે. તંત્ર દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં મેળામાં આવનારા સહેલાણીઓની સુરક્ષા સાથે કોઈ ચેડા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application