કર્મચારી ભવિષ્ય નિનિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે હવે પ્રોવિડન્ટ ફંડ (PF) નું બેલેન્સ તપાસવું અને ખાતાની માહિતી મેળવવી અત્યંત સરળ બની ગઈ છે. હવે સભ્યોએ યુએએન પોર્ટલ પર લોગ ઇન કરવાની કે પાસવર્ડ યાદ રાખવાની કોઈ જરૂર નથી. EPFO દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા દ્વારા હવે વોટ્સએપના માધ્યમથી જ પીએફ બેલેન્સ, પાસબુક ડાઉનલોડ કરવા અને છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા EPFO ના 74મા સ્થાપના દિવસ નિમિત્તે 1 નવેમ્બર 2026 ના રોજ આ વિશેષ વોટ્સએપ સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. આ સુવિધાનો લાભ લેવા માટે સભ્યોએ માત્ર EPFO ના અધિકૃત વોટ્સએપ નંબર +91 87964 41800 નો જ ઉપયોગ કરવાનો રહેશે અને તેમનો મોબાઈલ નંબર યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે રજિસ્ટર્ડ હોવો અનિવાર્ય છે.
વોટ્સએપ પર પીએફ બેલેન્સ ચેક કરવાની સરળ પદ્ધતિ નીચે મુજબ છે:
સૌથી પહેલા તમારા ફોનમાં અધિકૃત નંબર +91 87964 41800 સેવ કરો અથવા સત્તાવાર ઘોષણામાં આપેલા ક્યૂઆર કોડને સ્કેન કરો.
વોટ્સએપ ખોલીને આ નંબર પર 'Hi' લખીને મેસેજ મોકલો.
ચેટબોટ તરફથી એક સ્વાગત સંદેશ આવશે, જેમાં તમારી પસંદગીની ભાષા પસંદ કરવા માટે કહેવામાં આવશે.
તે પછી ચેટ મેનુમાંથી પીએફ બેલેન્સ ચેક કરવાનો વિકલ્પ પસંદ કરો.
ઓળખની ચકાસણી માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, જેને દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.
વેરિફિકેશન બાદ તમારા યુએએન સાથે જોડાયેલું સંબંધિત પીએફ ખાતું કે મેમ્બર આઈડી પસંદ કરો.
ચેટબોટ તરત જ તમારા ખાતાનું બેલેન્સ સ્ક્રીન પર પ્રદર્શિત કરી દેશે.
આ જ પ્રક્રિયા દ્વારા સભ્યો પોતાની ઈપીએફ પાસબુક પણ ડાઉનલોડ કરી શકે છે, જેમાં કર્મચારી અને નોકરીદાતા (એમ્પ્લોયર) ના કોન્ટ્રીબ્યુશનનો પૂરો રેકોર્ડ જોઈ શકાય છે. આ સુવિધાથી પીએફ ફંડમાંથી રકમ ઉપાડવા (withdrawal) અને અન્ય એન્ટ્રીઓ પર નજર રાખવામાં મોટી મદદ મળે છે. આ ઉપરાંત, સભ્યો ચેટબોટના માધ્યમથી પોતાના છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનની વિગતો પણ ચકાસી શકે છે.
જો આ સેવા ઉપયોગ કરતી વખતે કોઈ તકનીકી સમસ્યા આવે, તો તમારો નંબર યુએએન સાથે લિંક હોવાની ખાતરી કરવી. EPFO દ્વારા સભ્યોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે કે તેઓ ફક્ત અધિકૃત નંબર પર જ ચેટ કરે અને કોઈપણ વ્યક્તિ સાથે પોતાનો યુએએન પાસવર્ડ, બેંક વિગતો કે ઓટીપી શેર ન કરે.