ચીને પેસિફિક મહાસાગરમાં પરમાણુ સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઈલ છોડીને દુનિયાભરના દેશોને ચોંકાવી દીધા છે. ૧૯૮૨ પછી, એટલે કે લગભગ ૪3 વર્ષમાં ચીનનું આ પ્રકારનું પ્રથમ જાહેર પરીક્ષણ છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ હથિયારનું સામાન્ય પરીક્ષણ નથી, પરંતુ અમેરિકા અને તેના સાથી દેશોને આપેલો એક મોટો રણનીતિક સંકેત છે. ચીન એ સાબિત કરવા માંગે છે કે તેની પાસે હવે દરિયામાંથી પરમાણુ હુમલો કરવાની એવી સચોટ ક્ષમતા છે, જેને દુશ્મન દેશો પ્રથમ હુમલામાં પણ નષ્ટ કરી શકે તેમ નથી.
આ સફળ પ્રક્ષેપણ સાથે ચીને પોતાની પરમાણુ ત્રિપુટી એટલે કે જમીન, હવા અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. લશ્કરી વિશ્લેષકોના મતે, સબમરીન આધારિત પરમાણુ શક્તિ સૌથી સુરક્ષિત ગણાય છે કારણ કે સમુદ્રના ઊંડા પાણીમાં સબમરીનને શોધી કાઢવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ચીને ભલે આ પરીક્ષણની ટેકનિકલ વિગતો ગુપ્ત રાખી હોય, પરંતુ એવું માનવામાં આવે છે કે આ મિસાઈલ 'જેએલ-3' હતી, જેની પ્રહાર ક્ષમતા ૧૦,૦૦૦ કિલોમીટરથી પણ વધુ છે. આ મિસાઈલ ચીનની આધુનિક 'ટાઈપ 094 જિન-ક્લાસ' સબમરીનમાંથી છોડવામાં આવી હોવાની સંભાવના છે.
ચીનના આ આક્રમક વલણ સામે અમેરિકાએ ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા થોમસ પિગોટે જણાવ્યું છે કે ચીન દ્વારા જે રીતે ગુપ્ત અને ઝડપી રીતે પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારવામાં આવી રહ્યો છે, તે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઇન્ડો-પેસિફિક વિસ્તારની શાંતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે આ પગલાંને પ્રદેશમાં અસ્થિરતા ફેલાવનારું ગણાવ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે પણ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ચીને ભલે આ લોન્ચિંગ અંગે જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને અગાઉથી જાણ કરી હતી અને મિસાઈલ જાપાનની સરહદમાં પ્રવેશી ન હતી, તેમ છતાં તેનો સમય ઘણો સૂચક છે. વિશ્લેષકોના મતે, આ પરીક્ષણ ચીન-જાપાનના ઐતિહાસિક યુદ્ધની વર્ષગાંઠની આસપાસ કરવામાં આવ્યું હતું. જો આ મિસાઈલ બોહાઈ સમુદ્રમાંથી છોડવામાં આવી હોય, તો તેનો કાટમાળ જાપાનની નજીક પડ્યો હોવો જોઈએ, જે સીધો ટોક્યો (જાપાન)ને ડરાવવા અને ચેતવણી આપવા માટેનો ગણતરીપૂર્વકનો સંકેત હોઈ શકે છે. આ ઘટના બાદ જાપાનમાં પોતાના સૈન્યને વધુ આધુનિક બનાવવા અને સંરક્ષણ બજેટ વધારવાની માંગ પ્રબળ બનશે.
આ માત્ર આત્મરક્ષણ માટે છેઃ ચીનની સફાઈ
વિશ્વભરમાં થઈ રહેલી આકરા વિરોધ અને ટીકાઓ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે બચાવ કરતાં જણાવ્યું છે કે અન્ય દેશોએ આ પરીક્ષણનું વધુ પડતું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ. ચીન હંમેશા શાંતિપૂર્ણ વિકાસના માર્ગ પર ચાલવા માટે કટિબદ્ધ છે અને તે માત્ર આત્મરક્ષણની વ્યૂહરચના હેઠળ કામ કરે છે. ચીન પોતાના પરમાણુ દળોને માત્ર એટલા જ સ્તરે રાખશે જેટલું તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય હોય. જોકે, નિષ્ણાતો માને છે કે જમીન અને સમુદ્ર પછી, ચીન હવે ટૂંક સમયમાં હવામાંથી લોન્ચ થનારી બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરીને પોતાની શક્તિનું પુનઃ પ્રદર્શન કરી શકે છે.