આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પહેલા જ દિવસે ગાંધીનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક વિસ્તારોમાં અપૂરતા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ નીવડ્યા છે. ખેડૂતોની આ વેદના અને અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્યો વિરોધ પ્રદર્શન સાથે મેદાને આવ્યા હતા. બીજી તરફ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા હતા.
વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચેલા ‘આપ’ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા ખેડૂતોના બગડેલા પાક અને નમૂનાઓ સાથે સીધા વિધાનસભા સંકુલ પહોંચ્યા હતા. ખેડૂતોની દુર્દશા અને નુકસાનની વાસ્તવિકતા પ્રદર્શિત કરવાના આ પ્રયાસને કારણે પ્રવેશદ્વાર પર જ ભારે હોબાળો મચી ગયો હતો.
જ્યારે ગોપાલ ઇટાલિયા અને અન્ય ધારાસભ્યો બગડેલા પાકને લઈને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ અને તેમની વચ્ચે જોરદાર બબાલ અને રકઝક થઈ હતી. સુરક્ષા પ્રોટોકોલ અને નિયમોના હવાલા આપીને પોલીસે તેમને અંદર લઈ જતાં અટકાવ્યા હતા.
આ મામલે પોલીસ અને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડીવાર માટે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. વિરોધ કરી રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અને નિષ્ફળ પાક અંગે ગંભીર નથી, તેથી આ વાસ્તવિક પરિસ્થિતિ વિધાનસભા ગૃહ સુધી લાવવી જરૂરી હતી. આ ઘટનાએ સત્રના પહેલા જ દિવસે સત્તા અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષના એંધાણ આપી દીધા છે.