રાજકોટ શહેરના જાણીતા પર્યટન સ્થળ અટલ સરોવર ખાતે ફરવા આવેલા એક નેપાળી પરિવાર અને સિક્યુરિટી બાઉન્સર્સ વચ્ચે જોરદાર માથાકૂટ અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. દારૂ પીધેલી હાલતમાં સ્પીકર લઈને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નેપાળી યુવાનને બાઉન્સર્સે અટકાવતા મામલો બિચક્યો હતો, જેના પગલે પરિવારની મહિલાઓ સહિતના સભ્યો અને બાઉન્સર્સ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી.
મળતી માહિતી મુજબ, એક નેપાળી પરિવાર અટલ સરોવરની મુલાકાતે આવ્યો હતો. આ દરમિયાન પરિવાર સાથે રહેલો એક યુવાન દારૂના નશામાં હતો અને તેની પાસે સ્પીકર પણ હતું. અટલ સરોવરના નિયમો મુજબ સુરક્ષાકર્મીઓ અને બાઉન્સર્સે નશાની હાલતમાં રહેલા યુવાનને સ્પીકર સાથે અંદર પ્રવેશવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતને લઈને યુવાન અને બાઉન્સર્સ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મામલો એટલો વણસ્યો હતો કે નેપાળી પરિવારના સભ્યો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, તેઓ અને બાઉન્સર્સ એકબીજા પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં છુટ્ટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. અટલ સરોવર જેવા જાહેર સ્થળે થયેલી આ બબાલને પગલે મુલાકાતીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે થયેલી ઝપાઝપી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ઘટનાની જાણ થતા જ સમગ્ર મામલો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નેપાળી યુવાન દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા, યુનિવર્સિટી પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ વાયરલ વીડિયોના આધારે મારામારીની ઘટના અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.