સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા સાથે સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ૨૧૮૮ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા ૩૨૪ કરોડ દુબઈ ટ્રાન્સફર થયાનો ઘટસ્ફોટ થયો છે. હાલ પોલીસે ૧૦ શખ્સોની ધરપકડ કરી ૧૪ શખસોની શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતાં આઇ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ, રાઉટર, રિમોટ, કેલ્ક્યુલેટર તેમજ રોકડા રૂપિયા અને એક કાર સહિત કુલ રૂ.૧૫,૧૩,૬૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ પૈકી વિજય કરડાણીના મોબાઇલ ફોનના વોટ્સએપ ગ્રુપમાંથી કુલ ૨૮૧ બેંક એકાઉન્ટોની માહિતી મળી આવી હતી. એનસીઆરપી પોર્ટલ પર આ ખાતાઓની ચકાસણી કરતા તેમાંથી ૫૦ એકાઉન્ટ ફ્રીઝ થયેલા જોવા મળ્યા હતા. બીજા આરોપી અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટકના ફોનમાંથી ૧૯૦૭ બેંક એકાઉન્ટોની વિગતો મળી આવી હતી, જેમાંથી ૩૦૪ એકાઉન્ટ ફ્રીઝ થયેલા હતા. આ તમામ બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ગેરકાયદેસર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને સાયબર ક્રાઇમની ગુનાહિત પ્રવૃત્તિઓના નાણાકીય વ્યવહારો માટે વાપરવામાં આવતા હતા.
આ કૌભાંડમાં મ્યુલ એકાઉન્ટ્સની વ્યવસ્થા અને સંચાલન માટે મુખ્ય આરોપી આકાશ રત્નાકર નાયક દુબઈ ખાતે સ્થિત શુભાન નામના માણસ દ્વારા ૪૦ ટકા કમિશન પર ક્રિકેટ સટ્ટાના ઓનલાઇન આઇડી અને તેના સંચાલન માટેની બ્રાન્ચ/ફ્રેન્ચાઇઝી મેળવતો હતો. આકાશ નાયકે પોતાના હાથ નીચે ભારતના વિવિધ રાજ્યોમાં ૨૦ થી ૨૫ ટકા કમિશન આપીને અન્ય સબ-એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું. આરોપીઓ પોતાની અસલી ઓળખ છુપાવવા અને કાયદાની પકડથી બચવા માટે અન્ય સામાન્ય લોકોના નામે ખોલાવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા અને બદલામાં મોટું કમિશન મેળવતા હતા. આ ખાતાઓ વિરુદ્ધ એનસીઆરપી પોર્ટલ પર દેશભરમાંથી કુલ ૩૫૪ બેંક એકાઉન્ટ્સ સામે ૫૭૪ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂ.૩૨૪ કરોડ ૫૮ લાખ ૩૪ હજાર ૨૮૫ ની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ નાણાકીય વ્યવહારો દેશ અને વિદેશ (હવાલા) સુધી જોડાયેલા હોવાની આશંકાએ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
આ ૧૦ શખસોની એસએમસીએ કરી ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિજય વલ્લભ કરડાણી, મિત જયેશ કાલરીયા, જય ઉર્ફે રાજા લલીત અઘેરા, અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટક, પ્રતિક માકડિયા, આશ્વિન મેંદાપરા, જય શંભુ કનેરિયા, હિરેન કથિરિયા, નવનીત ખંભાળા અને મીત કાલરીયાનો સમાવેશ થાય છે.જ્યારે વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર આકાશ રત્નાકર નાયક, રોહન ફિશવા, રાજવીરસિંહ, સમ્રાટ પટેલ, નિખિલસિંહ, ટોમ ઠક્કર, હાર્દિક ડાભી, કેતન ઉર્ફે હિમાંશુ સોરઠિયા, ધવલ કેતન દાદડા, નિકુંજ રાઈ, હરેશ હિંમતસિંહ ઠાકોર, ચેતન સવજી વાઘાણી, પ્રફુલ રાઈ અને દુબઇ સ્થિત હેન્ડલર શુભાનનો સમાવેશ થાય છે.