ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાના કથિત પ્રયાસ માટે વિદેશમાંથી કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હોવાની શંકાના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તપાસ શરૂ કરી છે. જર્મની, દુબઈ, લિથુઆનિયા, કેનેડા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ અને બ્રિટન મારફત નાણાંની હેરફેર કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં દસ લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. 9.4 કરોડનો વ્યવહાર મળી આવ્યો હતો. ત્યારબાદ બીજા પાંચ લાખ ડોલરનો વ્યવહાર પણ સામે આવતાં કુલ રકમ 15 લાખ ડોલર એટલે કે આશરે રૂ. 14 કરોડ સુધી પહોંચી છે.
ઈડીની તપાસમાં જર્મનીના ડો. મેથિયાસ કાર્લ વોગ્ટ ટ્રસ્ટનું નામ સામે આવ્યું છે. તપાસ એજન્સીને શંકા છે કે આ ટ્રસ્ટમાંથી મોકલવામાં આવેલા નાણાં વિવિધ દેશોની કંપ્નીઓ મારફત બ્રિટન પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભારતમાં કેટલીક સંસ્થાઓ તથા વ્યક્તિઓ સુધી પહોંચ્યા હતા.
તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જર્મનીના ટ્રસ્ટે શરૂઆતમાં લિથુઆનિયાની એક્સબેઝ ડિજિટલ યુએબી નામની કંપ્નીને નાણાં મોકલ્યાં હતાં. જર્મનીના કાયદાકીય નિયંત્રણોથી બચવા માટે આ રસ્તો અપ્નાવવામાં આવ્યો હોવાની તપાસ એજન્સીને શંકા છે.
ઈડીને ડો. મેથિયાસ વોગ્ટનો તારીખ વગરનો એક પત્ર પણ મળ્યો છે. તેમાં નાણાંની ચુકવણી ડિજિટલ કરન્સી મારફત કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. તપાસ એજન્સીને એવી પણ શંકા છે કે ડિજિટલ સંપત્તિના રૂપમાં મોકલવામાં આવેલા નાણાં દુબઈ અને લિથુઆનિયા સુધી હવાલા મારફત પહોંચાડવામાં આવ્યા હતા.આ નાણાંનો વ્યવહાર કેરેબિયન વિસ્તારમાં આવેલા સેન્ટ કિટ્સ એન્ડ નેવિસમાં નોંધાયેલી ટીસીસી ડિજિટલ માર્કેટ્સ લિમિટેડ નામની કંપ્ની સાથે પણ જોડાયેલો છે. આ દેશ ટેક્સ હેવન તરીકે ઓળખાય છે. અહીં કંપ્નીઓની નોંધણી અને નાણાકીય વ્યવહારો અંગે મળતી કેટલીક છૂટછાટોનો લાભ લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની હેરફેર થતી હોવાના કેસ અગાઉ પણ સામે આવ્યા છે.તપાસ પ્રમાણે ફેબ્રુઆરીથી માર્ચ 2026 દરમિયાન બ્રિટનની એક કંપ્નીના એરવાલેક્સ ખાતામાં દસ લાખ ડોલર જમા થયા હતા.