શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે વધુ એક આધેડઅને યુવાનનું હ્દય થંભી જતા મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં સુરેશભાઇ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.૫૧)ના આધેડ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃતક સુરેશભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃતી લીધી હતી. હાલ પત્નિ સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. પોતે ત્રણ ભાઇમાં બીજા નંબરે હતા અને સંતાનમાં એક દિકરી એક દિકરો છે. બી ડિવિઝન પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર જયનગર-૩માં રહેતા હકાભાઇ રાઘવભાઇ સોરાણી (ઉ.વ.૪૧)ના સાંજે સાતેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.