જે દેશની અર્થવ્યવસ્થા વારંવાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) અને અન્ય દેશોની આર્થિક મદદ પર નિર્ભર રહે છે, તે જ પાકિસ્તાન હવે દુનિયાના કરજદાર વિકાસશીલ દેશોની આગેવાની કરશે. બેંગકોક ખાતે વિશ્વ બેંક અને આઈએમએફની વાર્ષિક બેઠકો દરમિયાન રચાયેલા 'બોરોઅર્સ પ્લેટફોર્મ'ની કમાન પાકિસ્તાનને સોંપવામાં આવી છે. સોમવારે યોજાયેલી પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ૩૦ કરતા વધુ વિકાસશીલ દેશોના નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંક પ્રમુખોએ પાકિસ્તાનને આ નેતૃત્વ સોંપ્યું છે.
પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઓરંગઝેબે પ્લેટફોર્મની અધ્યક્ષતા સંભાળતા જણાવ્યું હતું કે, દેણું કોઈ દેશના તરક્કી બાધા ન બનવું જોઈએ, પરંતુ વિકાસનું માધ્યમ બનવું જોઈએ. વર્ષ ૨૦૨૬-૨૭ની કાર્યયોજના અંતર્ગત પાકિસ્તાને કરજ પ્રબંધન મજબૂત કરવા અને વિકાસ માટે નાણાં એકત્ર કરવાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
પાકિસ્તાન સામે સૌથી મોટો પડકાર તેની પોતાની ખરાબ આર્થિક સ્થિતિ પણ છે. આ દેશ લાંબા સમયથી વિદેશી કરજ ચૂકવવા માટે આઈએમએફ અને અન્ય દેશોની આર્થિક સહાય પર જ નભતો રહ્યો છે. આવા સંજોગોમાં આ મંચની વાસ્તવિક સફળતા એ વાત પર નિર્ભર રહેશે કે તે કરજના વધતા ભારથી દબાયેલા અને ઝઝૂમી રહેલા અન્ય દેશો માટે કેટલા વ્યવહારિક ઉકેલો અને સમાધાનો શોધી લાવવામાં સફળ રહે છે.