રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2008માં રેલવે સ્ટેશન સામેની 88 દુકાનો-કેબિનોના થયેલા ડિમોલિશનને 18 વર્ષની કાનૂની લડત બાદ સિવિલ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યાના ચુકાદા બાદ વેપારીઓએ પુનઃવસનના ઠરાવનો અમલ કરવા માગણી કરી છે.
રાજકોટ રેલવે જંકશન રોડ પર આઝાદી સમયથી નિરાશ્રિતોને રોજી-રોટી મળે તે આશયથી સરકારે માલિકી અને ભાડુઆત ધોરણે દુકાનો ફાળવી હતી. પરંતુ તા.31/01/2008 ના રોજ કોર્પોરેશને આ દુકાનો જમીનદોસ્ત કરી દીધી હતી.
આ રોડ 14 મીટરનો હોવાનું કોર્પોરેશનના ડે. કમિશનર ચૌહાણે રેલવેને લેખિતમાં આપ્યું હતું અને ભાડૂઆતોના પુનઃવસનની જવાબદારી સ્વીકારી હતી. તેમ છતાં રસ્તાનો ભાગ 60 ફૂટ દર્શાવી કોઈકના હિત ખાતર બુલડોઝર ફેરવી દેવાયું હતું. પંડ્યાદાદા જેવા વેપારીઓ પાસે દસ્તાવેજ, બાંધકામ પરમિશન અને કમ્પ્લીશન સર્ટિફિકેટ હોવા છતાં મિલકતો તોડી પડાઈ હતી.
મહાપાલિકાના ગેરકાનૂની પગલાંને સિવિલ કોર્ટમાં પડકારાયું હતું, જેની 18 વર્ષ લાંબી લડત અને આર્થિક તંગીના કારણે 30 વેપારીઓના મૃત્યુ થયા, 4 ને પેરેલિસિસનો એટેક આવ્યો અને 1 વેપારીએ આત્મહત્યા કરી હતી. હાલ સિવિલ કોર્ટે તા. 31/ 01/ 2008નું ડિમોલિશન કાયદાના પાલન વિનાનું અને કુદરતી ન્યાય વિરુદ્ધનું ગેરકાયદે ઠેરવ્યું છે, ત્યારે ચુકાદો તરફેણમાં આવ્યા બાદ પણ વેપારીઓ શહેરની શોભા વધારવા અને કોર્પોરેશનને સહકાર આપવા તૈયાર છે, માત્ર પૂર્વ ઠરાવોનો અમલ કરી રોજી-રોટી પુનઃ શરૂ કરાવવા અપીલ કરી છે.
મહાપાલિકાએ કરેલા બે ઠરાવોની અમલવારીની માગણી
મ્યુ. કોર્પોરેશને વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ઠરાવ નં.333/1990 અને ઠરાવ નં.129/2013 પાસ કર્યા હોવા છતાં આજ સુધી અમલ કર્યો નથી. ભૂતકાળમાં કેસરે હિંદ પુલ કે જ્યુબિલી બાગના ડિમોલિશન વખતે વૈકલ્પિક જગ્યા અપાઈ હતી, પરંતુ અહીં અન્યાય કરાયો છે. બંને ઠરાવોની અમલવારી કરી ન્યાય આપવા માગણી ઉઠી છે.