ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. રાજકોટના મતદારોને રીઝવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી ૨૩ એપ્રિલને ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. હર્ષ સંઘવીના પ્રવાસને લઈને રાજકોટ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ૨૩ એપ્રિલે તેઓ શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય રોડ-શો યોજશે.
આ રોડ-શોના માધ્યમથી ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. યુવા નેતા તરીકેની લોકપ્રિયતાને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો આ રોડ-શોમાં જોડાશે તેવી શક્યતા છે.
માત્ર રોડ-શો જ નહીં, પરંતુ હર્ષ સંઘવી જનસંપર્ક પર પણ વિશેષ ભાર મૂકશે. તેઓ શહેરના વિવિધ વોર્ડમાં જઈને 'ડોર ટુ ડોર' કેમ્પેઇન કરશે અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત, સાંજે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ સરકારની ઉપલબ્ધિઓ અને સ્થાનિક વિકાસના કાર્યોની ગાથા રજૂ કરશે.
રાજકોટ હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે નાયબ મુખ્યમંત્રી પોતે મેદાનમાં ઉતર્યા છે. તેમના આ પ્રવાસથી સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચાર થશે અને ચૂંટણી પ્રચારને વેગ મળશે. વિપક્ષી દળોના પડકારને પહોંચી વળવા માટે હર્ષ સંઘવીની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. હર્ષ સંઘવીના આગમનને પગલે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દેવાયું છે. ૨૩ એપ્રિલે રાજકોટ કેસરીયા રંગે રંગાશે તેવું ચિત્ર હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.