BREAKING NEWS

ગુજરાતમાં 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોરઃ સૌથી વધુ કપરી સ્થિતિ દ્વારકાની

  • August 20, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાલુ ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 680 મિલીમીટરથી વધુ વરસાદ પડી ચૂક્યો છે, જે સીઝનના સરેરાશ વરસાદના લગભગ 75 ટકા જેટલો થાય છે. સામાન્ય કરતાં થોડી વહેલી શરૂઆત થયા બાદ ચોમાસાને બે મહિના જેટલો સમય વીતી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યારે બીજી તરફ રાજ્યના દસ જિલ્લામાં કોરાધાકોર જેવા જોવા મળી રહ્યા છે.


રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દસ જેટલા જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને વહીવટી તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. સૌથી કફોડી હાલત દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં સરેરાશ સામે માંડ 6.41 ટકા જ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પોરબંદરમાં 17.88 ટકા, જામનગરમાં 28.88 ટકા, કચ્છમાં 29.25 ટકા અને રાજકોટમાં 46.94 ટકા વરસાદ થયો છે. સાબરકાંઠામાં 46.62 ટકા, અરવલ્લીમાં 46.17 ટકા, ગીર સોમનાથમાં 46.55 ટકા, છોટા ઉદેપુરમાં 50.54 ટકા અને જૂનાગઢમાં 55.52 ટકામાં પણ અડધોઅડધ કે તેથી ઓછો વરસાદ નોંધાતા ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે.


બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું મહેરબાન રહ્યું છે. 19મી ઓગસ્ટ સુધીના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 2,726 મિલીમીટર વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે, જે તેની સીઝનની સરેરાશના 114.99 ટકા છે. આ ઉપરાંત નવસારીમાં 121 ટકા, સુરતમાં 105 ટકા અને ડાંગમાં પણ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 596 મિમિ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 30 વર્ષની સરેરાશના 88 ટકા જેટલો થાય છે.

રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના 9 જિલ્લાના 30થી વધુ તાલુકાઓમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા અને ખેડૂતોના ઊભા પાકને સૂકાતો બચાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સુજલામ સુફલામ યોજના મારફતે સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરાઈ છે. આ કેનાલોમાં 20મી ઓગસ્ટથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે, જેથી ખેડૂતોને રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application