વાદળોનો જમાવડો છતાં વરસાદની ધીમી બેટિંગ, 58 તાલુકામાં ઝાપટાં
વાદળોનો જમાવડો છતાં વરસાદની ધીમી બેટિંગ, 58 તાલુકામાં ઝાપટાં
July 21, 2026 02:48 PM
રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેવા છતાં વ્યાપક વરસાદી માહોલ હજુ જામતો નથી. વાદળોની અવરજવર વચ્ચે અનેક વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ રહેતાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતના 165 તાલુકામાં ઝાપટાથી માંડીને સાડા આઠ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. તેમાં સૌરાષ્ટ્રના માત્ર 58 તાલુકામાં ઝાપટાથી માંડીને સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમાં ભાવનગર જિલ્લાના તળાજા અને જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 28-28 મિ.મી. વરસાદ નોંધાઈ રાજ્યમાં સૌરાષ્ટ્રના સૌથી વધુ વરસાદી કેન્દ્ર રહ્યા હતા. ઉપરાંત અમરેલી શહેરમાં 20, મેંદરડામાં 18, બગસરામાં 16, મહુવા, ખાંભા અને તાલાલામાં 15-15 મિ.મી. સહિત અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ આજે પણ યથાવત્ રહ્યો હતો. સવારે શરૂ થયેલા પ્રથમ બે કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 17 તાલુકામાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. તેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 8 મિ.મી., ભાવનગર જિલ્લાના મહુવામાં 7 મિ.મી., ધ્રાંગધ્રા અને વિસાવદરમાં 4-4 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલી સિનોપ્ટિક પરિસ્થિતિ મુજબ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે અને ત્યાંથી દક્ષિણ ગુજરાત સુધી ઉપરના સ્તરે ટ્રફ વિસ્તરેલો છે. નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમના પવનો સક્રિય રહેતા રાજ્યમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 21થી 27 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગે કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જોકે હાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી વરસાદી માહોલ હજુ ધીમે ધીમે આગળ વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.