સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સ્થિતિ સતત નિરાશાજનક બની રહી છે. ઓગસ્ટની શરૂઆતમાં પહેલી અને બીજી તારીખે થયેલા વરસાદ બાદ સવા મહિનો જેટલો સમય વીતી ગયો હોવા છતાં એક પણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. પરિણામે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોની ચિંતા યથાવત્ રહી છે.
હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ તા. 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં કુલ 515.7 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 634.6 મીમી રહે છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ટકાની વરસાદની ઘટ નોંધાઈ છે.
દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની આશા જાગી હતી, પરંતુ સિસ્ટમનો પ્રવાહ મધ્ય ભારત તરફ આગળ વધ્યા બાદ પૂર્વ અને પૂર્વોત્તર તરફ ફંટાતાં ગુજરાતને તેનો ખાસ લાભ મળ્યો નથી. હાલ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફની હવામાન સ્થિતિનો વરસાદી પ્રભાવ ગુજરાત સુધી સક્રિય રીતે પહોંચતો જોવા મળતો નથી.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી દિવસોની સ્થિતિ પણ હાલ ખાસ આશાસ્પદ જણાતી નથી. હવામાન વિભાગે 8થી 14 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વરસાદની શક્યતા જાહેર કરી નથી. ગુજરાત રિજિયન માટે પણ આ સમયગાળામાં કોઈ ચેતવણી નથી.
બીજી તરફ અરબી સમુદ્રમાં પણ ગુજરાત તરફ સક્રિય બને તેવી કોઈ મજબૂત વરસાદી સિસ્ટમના હાલ એંધાણ નથી. જેના કારણે આગામી દિવસોમાં પણ છૂટાછવાયા ઝાપટાં સિવાય વ્યાપક વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકી રહેલા વરસાદની ભરપાઈ ક્યારે અને કેટલી થાય છે તે હવે આગામી હવામાન સિસ્ટમો પર નિર્ભર રહેશે.