2025નું વર્ષ પૂર્ણ થયું અને આજે 2026ના વર્ષનો મંગલ પ્રારંભ થયો, ત્યારે ગુજરાતના પોલીસ બેડા અને વહીવટી વિભાગમાં નવા વર્ષના પહેલા દિવસે જ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. મોટાપાયે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ વિભાગમાં બઢતી સાથે મોટા ફેરફાર કરીને અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છા આપી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઓર્ડર મુજબ આઈએએસ અને આઈપીએસ કેડરમાં વ્યાપક સ્તરે બઢતી આપવામાં આવી છે.
1996 બેચના પાંચ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે તેમને પે-મેટ્રિક્સ લેવલ-17 મુજબ રૂ.2.25 લાખ ફિક્સ પગારનો લાભ મળશે. બઢતી મેળવનાર અધિકારીઓને અન્ન અને નાગરિક પુરવઠા, નાણાં, આરોગ્ય, ઉદ્યોગ-ખાણ અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે.
સાથે જ, નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં પણ મોટા ફેરફાર થયા છે. રાજ્યના 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી, આઈજીપી અને ડીઆઈજી ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને ડીજીપી ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે, જ્યારે લો એન્ડ ઓર્ડર, આર્મ્ડ યુનિટ્સ અને શહેર પોલીસના મહત્વના અધિકારીઓને ઉચ્ચ જવાબદારી સોંપાઈ છે.
અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ વહીવટ મજબૂત બને તે દિશામાં આઈજીપી અને ડીઆઈજી સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ, એસઆરપીએફ અને ઇકોનોમિક વિંગ જેવા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા અધિકારીઓને પણ ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. કેન્દ્ર સરકાર અથવા અન્ય એજન્સીમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, રાજ્યના 28 આઈપીએસ અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા એન. કોમરને ડીજીપી ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી છે. એડિશનલ ડીજીપી ડો. પ્રફુલ્લ કુમાર રોશન (આર્મડ યુનિટ્સ, રાજકોટ)ને હવે ડીજીપી (આર્મ્ડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે. એડિશનલ ડીજીપી ડો. એસ. પાંડિયન રાજકુમાર (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર)ને ડીજીપી (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.
અમદાવાદ શહેર (સેક્ટર-1)ના એડિશનલ પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (જેસીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.
એસપી ડો. સુધીરકુમાર જે. દેસાઈ (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર)થી ડીઆઈજી (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી અપાઈ છે. રાજ્યપાલના એડીસી બલરામ મીણાને ડીઆઈજી ગ્રેડમાં બઢતી અપાઈ છે.
ડીસીપી ડો. કરણરાજ વાઘેલા (ઇકોનોમિક વિંગ, સુરત)ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે. કમાન્ડન્ટ એસ.વી. પરમાર (એસઆરપીએફ, મહેસાણા)ને ડીઆઈજી ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. કમાન્ડન્ટ એ.એમ. મુનિયા (એસઆરપીએફ, ગોધરા)ને ડીઆઈજી ગ્રેડમાં બઢતી અપાઈ છે.
કેન્દ્ર સરકાર અથવા અન્ય કેડરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ જેવા કે ડો. વિપુલ અગ્રવાલ (ડીડીએ, દિલ્હી) અને સૌરભ સિંહ (આર એન્ડ એડબલ્યું)ને પણ તેમના મૂળ કેડરમાં પ્રમોશનના આધારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્યના 28 આઈપીએસ અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
આઈએએસ અધિકારીઓમાં મોના કે. ખંધારને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે. ડો. ટી. નટરાજને નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી મળી છે. રાજીવ ટોપ્નોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી મળી છે. મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે. મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી મળી છે.