ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા માટે તળેટી વિસ્તારમાં લાખો ભાવિકો ઊમટી રહ્યા છે. રૂપાયતનથી પરિક્રમા ગેઈટ સુધી હકડેઠઠ માનવ મેદનીના કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આજે વ્હેલી સવારે ૫:૪૫ વાગ્યે પરિક્રમાનો ગેઈટ ખોલી નાખવામાં આવ્યો હતો. આજે રાત્રે બાર વાગ્યે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ 'જય ગિરનારી'ના નાદ સાથે બે લાખ ભાવિકો જંગલમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
જોકે, આજે મધરાત્રીએ સંતો મહંતો, ધારાસભ્ય, રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિથી પૂજન થશે. ભવનાથ તળેટી દુધેશ્વર મંદિર પાસે ગુરુદત્ત ભગવાનનું પૂજન અને શ્રીફળ વધેરશે, જોકે ઉતાવળીયા પરિક્રમાર્થિઓના આજે રાત્રે પરિક્રમાની ઉદ્ઘાટન વિધિ માત્ર ઔપચારિક જ રહેશે.
ગિરનારની પરિક્રમા વિધિવત શરૂ થાય તે પૂર્વે ભવનાથ તળેટી અને રૂપાયતન ગેઈટ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગઈકાલ સાંજથી જ લોકોએ જાતે જ રસોઈ બનાવી રાત વિતાવી હતી. ગઈકાલે રાતથી પરિક્રમા ગેટ પાસે માનવ મહેરામણ જોવા મળ્યું હતું. પગ ન મુકાય તેટલી માનવ મેદની જોવા મળી હતી.
હજારો લોકો ગેટ પાસે જ ઊભા રહ્યા હતા. અને ગેટ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તંત્ર દ્વારા તો રાત્રે ૧૨ વાગ્યે જ વિધિવત પરિક્રમા શરૂ કરવા મક્કમ વલણ અપનાવ્યું હતું પરંતુ શ્રદ્ધાળુઓની આસ્થા સામે તંત્રએ ઝૂકવુ પડ્યું હતું અને આજે વ્હેલી સવારે ૫:૪૫ વાગ્યે પરિક્રમાનો ગેઈટ ખોલવામાં આવ્યો હતો. ગેટ ખુલ્લો મુકતા જ જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમાર્થિઓએ પ્રથમ પડાવ તરફ મુકામ કર્યો હતો.
પરંતુ આજે રાત્રે દૂધેશ્વર મંદિર ઇન્દ્રભારતી બાપુના ગેટ પાસે ભગવાન ગુરુદત્તનું પૂજન અર્ચન કરવામાં આવશે જેમાં સંતોમાં શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહાદેવ ગીરીબાપુ, કિશનદાસ બાપુ, સહિત ગિરનાર મંડળના સંતો મહંતો ની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરી ઇન્દ્રભારતી બાપુ ના ગેટ પાસે રીબીન કાપી પરિક્રમાનો શુભારંભ કરાશે. જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે.મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક અજવાણી, સંતો, મહંતો, ભાવેશભાઈ વેકરીયા, કલેકટર યોગેશ ચૌધરી, કમિશનર વાળા, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર વાઘેલા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, કલ્પેશભાઈ ટોલીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે. અને પૂજન રીબીન કાપશે, જોકે પરિક્રમા વિધિવત શરૂ થાય તે પૂર્વે લાખો ભાવિકોએ જંગલમાં પ્રવેશ મેળવી લેતા આજે મધરાત્રે શરૂ થનાર વિધિવત પરિક્રમાની વિધિ ઔપચારિક બની રહેશે.
તા.૨૪ ના સવારે ૭ વાગ્યા બાદ એન્ટ્રી ગેટ બંધ કરી દેવાશે
પરિક્રમા ૨૪ તારીખ સુધી યોજાનાર છે. તેમાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તા.૨૪ મંગળવારે સવારે સાત વાગ્યાથી જ પરિક્રમાનો એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુ અને પરિક્રમા રૂટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરિક્રમા કરવી હોય તે યાત્રાળુઓએ સવારે સાત વાગ્યા પૂર્વે જંગલમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.