ઔદ્યોગિક નગરી જેતપુરમાં ઊંચા વ્યાજે નાણાં ધીરવાના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા શખ્સો દ્વારા એક ખેડૂતને વ્યાજની ઉઘરાણી માટે ધાકધમકી આપી લાખો રૂપિયાની વસૂલાત કરવા ઉપરાંત તેના પ્લોટના દસ્તાવેજ અને સાટાખત બળજબરીથી કરાવી લીધા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. માસિક ૬ ટકાથી ૩૦ ટકા સુધીનું વ્યાજ વસૂલવા છતાં વધુ નાણાંની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં ખેડૂતે છ શખ્સો સામે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ટાકુડીપરામાં રહેતા ખેડૂત જમનભાઈ નંદાણીયાને ચાર વર્ષ પહેલાં ખેતીકામ માટે નાણાંની જરૂર પડતાં આશિષ ઉર્ફે ભુરા ખાંટ અને અશોક લાલુનો સંપર્ક કર્યો હતો. અશોકે તેમને બે લાખ રૂપિયા માસિક ૩૦ ટકા વ્યાજે આપ્યા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ, આજદિન સુધીમાં તેઓ અશોકને વ્યાજ પેટે રૂ.૨૧.૬૦ લાખ ચૂકવી ચૂક્યા હતા. તેમ છતાં દસેક મહિના પહેલાં અશોકે વધુ રૂ.૧૨.૫૦ લાખની માંગણી કરી હતી અને નાણાં નહીં આપે તો પતાવી દેવાની ધમકી આપી હતી.
આ રકમના બદલામાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા પ્લોટનું સાટાખત કરી આપવા દબાણ કરાતાં ગત ૨૧ એપ્રિલે રેવન્યુ સર્વે નં.૩૫૮/પૈકી-૩ની ૪૪૮૫ ચોરસ મીટર ખુલ્લી જમીનનું દિલીપ ખાખરીયા અને ભુપત ગુલીયાના નામે સાટાખત કરાવી લેવાયું હતું. આ વ્યવહારમાં રૂ.૪.૪૦ લાખના ચાર ચેક અપાયા હતા, જેની રકમ ઉપાડી ફરી આરોપીઓ લઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
દરમિયાન ભરત ઉર્ફે ભકુ જગુ વાંક પાસેથી છ ટકા માસિક વ્યાજે રૂ.પાંચ લાખ લીધા હતા. આ પેટે રૂ.૧.૫૦ લાખ ચૂકવ્યા હોવા છતાં ૯૯૭ ચોરસ વારના પ્લોટનું બળજબરીથી સાટાખત કરાવી પાંચ લાખનો ચેક આપ્યો હતો અને બાદમાં તેની રકમ પણ પરત લઈ લીધી હોવાનો આક્ષેપ છે. બીજી તરફ દેવકુ કાઠી પાસેથી પણ ૩૦ ટકા વ્યાજે બે લાખ લીધા હતા. આ તમામ શખ્સો દ્વારા મુદ્દલ અને વ્યાજની ઉઘરાણી માટે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે પોલીસે અશોક લાલુ, દિલીપ ખાખરીયા, ભુપત ગુલીયા, ભરત ઉર્ફે ભકુ વાંક, આશિષ ઉર્ફે ભુરા ખાંટ અને દેવકુ કાઠી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૫૪ તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ની કલમ ૪૦ અને ૪૨ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ વ્યાજખોરીની ફરિયાદો નોંધાઈ હોવાનો આક્ષેપ
જેતપુરમાં વ્યાજવટાવનો ગેરકાયદે ધંધો ફૂલ્યોફાલ્યો હોવાની ચર્ચા વચ્ચે ફરિયાદી દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે ઉપરોક્ત શખ્સો સામે અગાઉ પાંચથી છ જેટલી વ્યાજખોરીની ફરિયાદો નોંધાઈ હોવા છતાં ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો ચાલુ છે. અમરનગર રોડ પર ફાયનાન્સની ઓફિસ ધરાવતા આ શખ્સો પાસેથી નાણાં લેનારા કેટલાક લોકો વ્યાજ-મુદ્દલ ચૂકવી ન શકતાં તેમને ગોંધી રાખી માર મારવામાં આવતો હોવાની તેમજ કેટલાક પાસેથી પ્લોટ અને જમીનો લખાવી લેવાઈ હોવાની પણ ચર્ચા છે. આવા કિસ્સાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અંગત રસ લઈ તપાસ કરે અને બળજબરીથી લખાવી લેવાયેલી મિલકતો અંગે ન્યાય અપાવે તેવી માંગ ઊઠી છે. આ તમામ આક્ષેપોની પોલીસ તપાસમાં હકીકત બહાર આવશે.