ગિરનાર પરિક્રમામાં રીક્ષા ચાલકોએ બેફામ ભાડું વસૂલતા યાત્રિકોમાં નારાજગી છવાઈ હતી. પરિક્રમાના નામે ઉઘાડી લુંટ ચલાવ્યાના કિસ્સામાં તંત્રને મોડે મોડે બોધપાઠ મળતા અંતે ગઈકાલે બપોરથી ગિરનાર દરવાજાથી તમામ રીક્ષાચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. યાત્રિકોને અવર-જવર માટે ભવનાથ ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી એસટીને દોડાવવા ફરજ પડી હતી. પાસ આપતી વખતે નિયમની અમલવારી કરવાનું કહેનાર તંત્ર ઉઘાડી લૂંટ કરનાર રીક્ષા ચાલકો વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો સર્જાયા છે.
ભવનાથ પરિક્રમા માટે લાખો ભાવિકો પહોંચ્યા હતા. ગઈકાલે મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો આવ્યા હતા. યાત્રિકોને અવર-જવરમાં મુશ્કેલી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રીક્ષા ચાલકોને ભવનાથ ગ્રાઉન્ડ સુધી અવરજવર માટે પાસ આપવામાં આવ્યા હતા. જોકે પરિક્રમામાં અમુક રીક્ષા ચાલકોએ યાત્રિકો પાસેથી બેફામ ભાડું લેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ભવનાથ ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા તથા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સુધી જવા બેફામ ભાડું લેવામાં આવતું હતું. જેના કારણે યાત્રિકોમાં નારાજગી છવાઈ હતી અને યાત્રિકોને કડવો અનુભવ થયો હતો. અને પ્રવાસન નગરીમાં થતી ઉઘાડી લૂંટ અંગે ફિટકાર વરસાવી રહ્યા હતા. પરિક્રમાના ત્રણ દિવસ સુધી કોઈ ચકાસણી ન કરેલ તંત્ર અંતે ફરિયાદો મળતા સફાળું જાગ્યું હતું અને યાત્રિકોની ફરિયાદોને પગલે બોધપાઠ લીધો હતો.
ગઈકાલે બપોરથી જ વહીવટી તંત્ર દ્વારા ભરડાવાવથી જ ભવનાથ તળેટી તરફ અવરજવર માટે રિક્ષાને પ્રવેશ પ્રતિબંધ લગાવ્યો હતો. અને યાત્રિકોને અવર-જવરમાં મુશ્કેલી ન થાય તે માટે ભવનાથ ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી રૂ.૧૫ ટિકિટ સાથે એસટી બસ દોડાવવામાં આવી હતી. તંત્ર દ્વારા રિક્ષાચાલકોને પાસ આપ્યા તે સમયે જ નિયમનું પાલન કરવા સ્પષ્ટ સુખના આપવામાં આવી હતી .પરંતુ ત્યારબાદ કોઈ ચકાસણીની દરકાર ન લેતા અંતે યાત્રિકોને ભોગ બનવું પડ્યું હતું. જેથી પ્રવાસીઓને થયેલી મુશ્કેલી અને નિયમનું ઉલ્લંઘન કરેલ હોય તેની સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application