દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી અને તુલસીજીના દિવ્ય લગ્નોત્સવની ભવ્ય ઉજવણી
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી અને તુલસીજીના દિવ્ય લગ્નોત્સવની ભવ્ય ઉજવણી
November 23, 2026 11:57 AM
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી અને તુલસીજીના દિવ્ય લગ્નોત્સવની ભવ્ય ઉજવણી ધર્મનગરી દ્વારકાના જગતપ્રસિદ્ધ જગતમંદિરમાં કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના પરંપરાગત વિધિ-વિધાન સાથે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાના પ્રતિષ્ઠિત એલ.આર. ગ્રુપના મુન્નાભાઈ પાબારીના યજમાનપદે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. અષાઢ સુદ એકાદશીથી ચાર માસ સુધી યોગનિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે, જેને દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં લગ્ન સહિતનાં તમામ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.
આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસ ખાતે બિરાજમાન ગોપાલજી સ્વરૂપનો સાંજે છ વાગ્યે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રાણીવાસના પૂજારી વિજયભાઈ, આનંદભાઈ ઉપાધ્યાય સહિતના સેવકો દ્વારા વાજતે-ગાજતે નીકળેલો આ વરઘોડો શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ પુનઃ રાણીવાસ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજી અને તુલસીજીના લગ્નોત્સવની ધાર્મિક પરંપરા ભવ્ય રીતે નિભાવવામાં આવી હતી.
બીજી તરફ જગતમંદિરમાં પણ સાંજના ગોધૂલી સમયે નિજમંદિરમાં બિરાજમાન ઠાકોરજીના બાલસ્વરૂપના તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિ, મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરા મુજબ લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના આ પાવન વિવાહોત્સવના દર્શનનો લાભ લેવા દ્વારકાવાસીઓ સહિત દૂરદૂરથી આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.