રાજકોટમાં યોજાનારા લોકમેળાને લઈને વેપારીઓ અને સ્ટોલ ધારકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકમેળા માટે સ્ટોલ અને પ્લોટની ફાળવણી પ્રક્રિયાના ભાગરૂપે શરૂ કરાયેલા અરજીપત્રકોના વેચાણને પ્રથમ બે દિવસમાં જ સારો પ્રતિસાદ મળ્યો છે. ૨૦ અને ૨૧ જુલાઈ દરમિયાન કુલ ૧૨૩ ફોર્મનું વેચાણ થયું છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ફોર્મ ઉપાડવામાં આવી રહ્યા છે. લોકમેળાના નામને લઈને ઘણા સૂચનો પણ આવી ચૂક્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦ જુલાઈના રોજ સૌથી વધુ ૮૬ ફોર્મનું વેચાણ થયું હતું. જેમાં ઈ, એફ, જી અને એચ કેટેગરીના ૩૧ તેમજ અન્ય કેટેગરીના ૫૫ ફોર્મનો સમાવેશ થાય છે. આ દિવસે ફોર્મ વેચાણમાંથી કુલ રૂ. ૧૭,૨૦૦ની આવક નોંધાઈ હતી. ત્યારબાદ ૨૧ જુલાઈના રોજ કુલ ૩૭ ફોર્મનું વેચાણ થયું હતું. તેમાં ઈ, એફ, જી અને એચ કેટેગરીના ૧૨ તથા અન્ય કેટેગરીના ૨૫ ફોર્મ વેચાયા હતા. આ દિવસ દરમિયાન રૂ. ૭,૪૦૦ની આવક થઈ હતી. પ્રથમ બે દિવસમાં કુલ ૧૨૩ ફોર્મનું વેચાણ નોંધાયું છે. ફોર્મ વેચાણથી કુલ રૂ. ૨૪,૬૦૦ની આવક થઈ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લોકમેળામાં વિવિધ પ્રકારના વેપારી સ્ટોલ, ખાણીપીણી, રમકડાં અને અન્ય વ્યાવસાયિક એકમો માટે પ્લોટ મેળવવા ઇચ્છુક વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ફોર્મ વેચાણ અને અરજી પ્રક્રિયાને વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ જન્માષ્ટમીના લોકમેળાના નામકરણ પ્રસ્તાવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા તા. ૨૧ જુલાઈના રોજ સાંજ સુધીમાં ૪૦૦૦ જેટલી એન્ટ્રી આવી ચુકી છે. નામ સૂચન માટે આજરોજ અંતિમ દિવસ હોય આ સ્પર્ધામાં જોડાવા ઇચ્છુક નગરજનો માટે છેલ્લી તક છે. ત્યારે કુલ કેટલા નામો આવે છે તે જોવું રહ્યું. તેમજ જેમના દ્વારા આપવામાં આવેલું નામ પસંદગી પામશે તેમને તંત્ર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.