ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટેની મુદત તારીખ 30 ડિસેમ્બરના પૂરી થયા પછી તારીખ 6 જાન્યુઆરી સુધી તે લંબાવી હતી. વધારેલી મુદતમાં પણ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી તેમના માટે હવે લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરી છે. પરંતુ આ માટે પરીક્ષાથીએ વધારાના રૂપિયા 1000 લેઇટ ફી પેટે ચૂકવવાના રહેશે.
ગુજકેટ ની પરીક્ષા ફી રૂપિયા 350 છે. પરંતુ હવે તારીખ 16 જાન્યુઆરી સુધી જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તેમણે રૂપિયા 1,350 ચૂકવવા પડશે. પરીક્ષા ફી માં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને મુક્તિ આપવામાં આવી છે પરંતુ લેઈટ ફી સાથે ફોર્મ ભરનાર કોઈને આમાંથી મુક્તિ આપવામાં આવી નથી.
ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે 2016 થી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લાગુ પાડી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂરી થયા બાદ ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવતી હોય છે.