સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જેટકો વીજ કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવી રહી છે. આ વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી જ્યાં–જ્યાં પસાર થઈ રહી છે ત્યાં વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઊંચું વળતર, સલામતી, સરકારનો વર્તમાન પરિપત્ર રદ કરવા સહિતની અનેક માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દો વધુ એક વખત ગરમાયો છે. ત્યારે ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોએ ન્યાયની અપેક્ષા સાથે રજૂઆત કરી છે.
રાજકોટ કલેકટર કચેરી ખાતે આજરોજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રાજકોટ જિલ્લાના આશરે ૨૦૦થી પણ વધુ ખેડૂતોએ જેટકો વીજ લાઇન અને સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ કરેલા પરિપત્રને રદ્દ કરવા બાબતે કોંગ્રેસ આગેવાનો સાથે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે તારીખ ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ જે પરિપત્ર કર્યો છે તેનો અમે ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ. તેમજ તે પરિપત્ર તત્કાલી રદ કરવામાં આવે. જ્યારે અમને આ પરિપત્ર જ માન્ય નથી એટલે એ પરિપત્ર મુજબ જે એમઆરસી કમિટી બનાવવા માટે ગામડે ગામડે અધિકારીઓ સરપંચો પાસે, ખેડૂતો પાસે આવે છે અને એમઆરસી કમિટી માટે ખેડૂતોના પ્રતિનિધિ આપવા દબાણ કરવામાં આવે છે તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. અમને પરિપત્ર જ માન્ય ન હોય અમે અમારા પ્રતિનિધિ આપવા માંગતા નથી. આ પરિપત્ર બનાવતી વખતે ખેડૂતલક્ષી હિતોને ધ્યાને લેવામાં આવ્યા જ નથી જેથી અમારી કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, તમામ ગ્રામ પંચાયતો અને ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકાર આ પરિપત્ર રદ્દ કરે અને ખેડૂતોના હિતમાં વર્ષ ૨૦૧૩ના કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટભાવના ૪ ગણું વળતર આપવાની પોલિસી સાથેનો પરિપત્ર કરવામાં આવે. આ તકે કોંગ્રેસ આગેવાનોમાં પાલ આંબલિયા, હિતેશ વોરા, ડો. રાજદીપસિંહ જાડેજા સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.
પરિપત્રનો શા માટે વિરોધ ?
૧. જમીનની ઘટતી કિંમતની બાદબાકી અને ઓછું વળતર
૨. લાઈફ ટાઈમ જોખમ સામેની પોલિસીની બાદબાકી
૩. ખેડૂતોની માંગોની પરિપત્રમાંથી સંપૂર્ણપણે બાદબાકી
૪. એમઆરસી કમિટિના નામે ખેડૂતો સાથે છેતરપીંડી
૫. ખેડૂતોની જમીનની કિંમત ખેડૂતો જ નક્કી કરે સરકારે નિમેલ કંપનીઓના એજન્ટ (વેલ્યુઅર) નહિ
૬. ગામડાં અને શહેરમાં ભાવ સંબંધિત ભેદભાવ કેમ ?