શહેરમાં પારિવારિક ઝગડાઓમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે. ગઈકાલે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, નહેરુનગરમાં પિતાએ પુત્રના જન્મ દિવસના બીજા દિવસે જ ઘસઘસાટ ઉંધી રહેલા પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી છે, છેલ્લા ઘણા સમયથી પિતા-પુત્ર વચ્ચે પૈસા સહિતની બાબતે ઝગડાઓ ચાલતા હતા આ ઝગડાઓનો કરુણ અંજામ આવ્યો છે. પુત્રની હત્યા નિપજાવ્યા બાદ પિતા ભકિતનગર પોલીસ મથકમાં હાજર થઇ પુત્રને પતાવી દીધાનું કહેતા પોલીસે અટકાયત કરી ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
ચકચારી હત્યાના બનાવમાં આરોપી પિતાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પુત્ર અવાર નવાર પૈસાની માગણી કરતો હતો, જે બાબતે ઘરમાં ઝગડાઓ થતા હતા, ગઈકાલે પણ બપોરે પૈસાની માગણી કરતા આ બાબતે બોલાચાલી થઇ હતી અને પુત્રએ છરી કાઢી આજે તમને પતાવી દેવા છે તેવી ધમકી આપી હતી, જે બાદ પુત્ર સુઈ ગયો હતો અને ઊંઘમાં જ હથોડાના ઘા માથામાં મારી દીધા હતા.
પિતા-પુત્ર પોલીસ ચોપડે ચડી ચૂકેલા
બનાવની તપાસ દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યા કરનાર બાબુ સવસેટા વિરુદ્ધ વાહનચોરી સહિતના બે ગુના નોંધાઈ છે, અને જેની હત્યા થી એ તેના પુત્ર રામ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અને તાજેતરમાં જ રામની ગુનાના કામે સમન્સની પણ બજવણી કરવામાં આવી હતી.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટના ન્યુ નહેરુનગર શેરી નં-7માં આહીર ચોક પાસે રહેતો રામ બાબુભાઈ સવસેટા (ઉ.વ.33)ગઈકાલે બપોરે ઘરે સૂતો હતો ત્યારે કાળ બનીને આવેલા પિતાએ હથોડાના ઘા માથા ઉપર ઝીકતા પુત્રનું લોહી લુહાણ હાલતમાં ત્યાંજ જ મોત નીપજ્યું હતું. પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ નિષ્ઠુર પિતા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આવી મેં મારા પુત્રને મારી નાખ્યો છે કહેતા હાજર પોલીસ પણ ચકિત બની હતી અને તેની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરતા રૂમમાં લોહીના ખાબોચિયા ભરાયેલા હતા અને યુવક સેટી ઉપર મૃત હાલતમાં પડ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણ પરિવારજનોએ મૃતક યુવકના માતા કે જે મોરબી રોડ પર જકાતનાકા પાસે સિલ્વરપાર્કમાં દીકરી સાથે રહેતા હતા તેની કરવામાં આવતા હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પુત્રના મૃતદેહને જોઈ કલ્પાંત મચાવ્યો હતો. બનાવ અંગે મૃતકના માતા હંસાબેન સવસેટા (ઉ.વ.62)ની ફરિયાદ પરથી પોલીસે પતિ બાબુ સવસેટા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મૃતક ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો, અને અગાઉ મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો, હાલમાં છએક મહિનાથી કોઈ કામધંધો કરતો નહતો. તેના પિતા બ્બુ ભાઈ પણ ઘણા વર્ષોથી કોઈ કામધંધો કરતા ન હતા ઘરની નીચે આવેલી દુકાન અને ગોડાઉનના ભાડાની આવક હોવાથી તેમાંથી ગુજરાન ચલાવતા હતા. પિતા-પુત્રના ઝગડાઓથી કંટાળી તેની માતા પણ પુત્રી સાથે રહેવા ચાલી ગઈ હતી.
ફરિયાદમાં આરોપીની પત્ની હંસાબેને પતિ સામે પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પતિ હલકટ અને ચોરી ચપાટી કરે છે, તેને સુધરવા માટે પુત્ર અનેક વખત ક્હેતો ત્યારે પતિ કહેતો કે, હું મારા બાપનું નથી માન્યો તો આનું ક્યાંથી માનું કહી બન્ને વચ્ચે ઘણીવાર ઝગડો થતા હતા અને પુત્રં મારવા માટે હથોડી લોખંડના પાઇપ પણ ઘરમાં રાખતા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે હત્યારા પિતાને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.