રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા એક સિમેન્ટના કારખાનામાં પિતાએ પોતાના બે માસૂમ અને તેજસ્વી સંતાનોને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ કરુણાંતિકાને પગલે સમગ્ર ગોંડલ પંથક અને વેપારી આલમમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ઘોઘાવદર રોડ પર 'ગાયત્રી સિમેન્ટ' નામે કારખાનું ધરાવતા 35 વર્ષીય જયપાલભાઈ તોગડીયા આજે સવારે પોતાના બંને સંતાનો 15 વર્ષીય પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને વહાલપૂર્વક ઘરેથી કારખાને સાથે લાવ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કે પિતાનો આ વહાલ થોડી જ વારમાં કાળ બની જશે. કારખાનામાં પહોંચ્યા બાદ, કોઈ અગમ્ય કારણોસર જયપાલભાઈએ પ્રથમ પોતાના બંને સંતાનોને ગળાટૂંપો આપી તેમની હત્યા કરી નાખી હતી. માસૂમ બાળકોના શ્વાસ રૂંધાયા બાદ, પિતાએ પણ તે જ સ્થળે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
તેજસ્વી બાળકોના અકાળે મોતથી આક્રંદ
આ ઘટનામાં ભોગ બનનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાનું જાણવા મળ્યું છે. 15 વર્ષીય મિશ્રે તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 70% ગુણ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું. જ્યારે 10 વર્ષની નાની રિવા પણ શહેરની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. એક તરફ પુત્રની સફળતાનો આનંદ હતો, ત્યાં બીજી તરફ પિતાના હાથે જ બંને તેજસ્વી કળીઓ કરમાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસ તપાસ અને અકબંધ રહસ્ય
ઘટનાની જાણ થતા જ ગોંડલ એ-ડિવિઝન પોલીસનો કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જયપાલભાઈ છેલ્લા 15 વર્ષથી સફળતાપૂર્વક વ્યવસાય કરી રહ્યા હતા અને તેમનો પરિવાર આર્થિક રીતે સુખી હોવાનું મનાય છે. તેમ છતાં, કયા સંજોગો કે માનસિક તણાવને કારણે તેમણે આટલું ખોફનાક અને કઠોર પગલું ભર્યું, તે પોલીસ માટે અત્યારે તપાસનો મુખ્ય વિષય છે.
આ સામુહિક આત્મહત્યા અને હત્યાના બનાવથી સાંઢવાયા ગામમાં અને ગોંડલના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી છે. સુખી ગણાતા પરિવારમાં સર્જાયેલી આ હોનારત પાછળનું સાચું કારણ જાણવા પોલીસ મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.
આપઘાત કોઈ ઉકેલ નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવમાં હોય, તો મહેરબાની કરીને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો અથવા નિષ્ણાતની સલાહ લો.