BREAKING NEWS

વડોદરામાં કફ સીરપ પીધા બાદ પાંચ વર્ષની માસુમ બાળકીનું મોત, જાણો સમગ્ર વિગત

  • January 19, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ કફ સીરપ પીધા બાદ મોત થયાની તેના માસીએ આક્ષેપો કર્યા છે. જેનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે.


મળતી માહિતી મુજબ, વડોદરામાં પાંચ વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ધ્યાનીએ ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હતા. માતા-પિતાની ગેરહાજરીમાં દાદા-દાદી અને અન્ય સંબંધીઓ જ તેની સંભાળ રાખતા હતા. 


ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. આથી તેના પિતરાઈ કાકા પોતાના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવવામાં આવી હતી. પરંતું, થોડા જ સમયમાં તેની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ થતાં જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.


મૃતક બાળકીના માસી રૂપલ પટેલે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે. દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ, તે તપાસનો વિષય છે. મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરી છે અને ન્યાયની માંગણી કરી છે.


બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એસીપી આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ બહાર આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application