સાબરકાંઠા જિલ્લામાં સ્વાઈન ફ્લૂના કેસો સામે આવતાં જ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસના સમયગાળા દરમિયાન સ્વાઈન ફ્લૂના કુલ 4 પોઝિટિવ કેસો સત્તાવાર રીતે નોંધાયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે સ્વાઈન ફ્લૂના લક્ષણો ધરાવતી 2 બાળકીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે, જ્યારે અન્ય 2 દર્દીઓ હાલમાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચોમાસાની ઋતુ વચ્ચે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહેલા વાયરલ ઈન્ફેક્શનને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર પોઝિટિવ નોંધાયેલા કેસોમાં હિંમતનગર તાલુકાના 2, તલોદ તાલુકાનો 1 અને ખેડબ્રહ્મા તાલુકાનો 1 કેસ સામેલ છે. મૃત્યુ પામનારા દર્દીઓમાં હિંમતનગરના ભાથીખત્રી વિસ્તારની 9 વર્ષની બાળકી અને ખેડબ્રહ્મા તાલુકાના ભૂરીઘરફળો ગામની 3 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ બંને બાળકીઓને સ્વાઈન ફ્લૂના ગંભીર લક્ષણો બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતાં બંનેના કરુણ મોત નિપજ્યા હતા. એકસાથે 2 માસુમ બાળકીઓના મોતથી સ્થાનિક વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
બીજી તરફ, હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં હાલમાં 2 દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં હિંમતનગર તાલુકાના દેરોલ ગામના 62 વર્ષીય વૃદ્ધ અને તલોદ તાલુકાના ગુંદીયા ગામના 12 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે. બંને દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તબીબોની વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લામાં ટૂંકા ગાળામાં 4 કેસ સામે આવતાં જ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય ટીમો દ્વારા પ્રભાવિત ગામો અને વિસ્તારોમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં કેસ નોંધાયા છે ત્યાં ઉધરસ, તાવ અને શરદીના લક્ષણો ધરાવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએથી બચવા, મોં પર માસ્ક પહેરવા અને તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.