ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં શનિવારે એક અત્યંત દુઃખદ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં જર્જરિત મકાનની છત ધરાશાયી થવાને કારણે 4 માસુમ બાળકીઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, આ મકાન ખૂબ જ જૂનું અને અત્યંત જર્જરિત હાલતમાં હતું.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કરૂણ ઘટના ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હંગુ જિલ્લાની દોઆબા તહસીલના જદીદ બાંદા વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં 2 થી 12 વર્ષની વયની 4 માસુમ બાળકીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ દૂર કરીને લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. કાટમાળમાંથી ચારેય બાળકીઓના મૃતદેહ બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી ઘટનામાં મહિલા અને બાળકનું મોત
આ ઉપરાંત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ જિલ્લાના બાસીન વિસ્તારમાં આવેલી મિયાં કોલોનીમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થવાની અન્ય એક ઘટના બની હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાનની રાષ્ટ્રીય બચાવ સેવા 'રેસ્ક્યૂ 1122' ના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતા જ ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહતકર્મીઓએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને પ્રાંતિય મુખ્યમથક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબોએ મહિલા અને બાળકને મૃત જાહેર કર્યા હતા.