રાજકોટ શહેરમાં હાલ સુધીમાં નકલી પનીર, નકલી ઘી, નકલી બટર તેમજ ભેળસેળિયું દૂધ સહિતના કારસ્તાનો ઝડપાયા બાદ હવે રાજકોટ શહેરમાં નકલી આઇસ્ક્રીમ વેંચાય રહ્યું હોવાની શંકાને પગલે સમગ્ર શહેરમાં એક્સક્લુઝીવલી આઇસક્રીમનું જ વેંચાણ કરતી હોય તેવી અંદાજે ૭૦૦ જેટલી શોપ કાર્યરત છે, આ તમામ શોપમાં તા.૧૬ નવેમ્બરને સોમવારથી સઘન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નકલી આઇસ્ક્રીમ અર્થાત દૂધની ફેટમાંથી બનતા ઓરિજિનલ આઈસ્ક્રીમના બદલે વેજિટેબલ ઓઈલ ફેટમાંથી બનતા ફ્રોઝન ડેઝર્ટનું આઇસક્રીમના નામે વેંચાણ થઇ રહ્યું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, આઇસ્ક્રીમ દૂધની મલાઇમાંથી બને છે અને ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ ઓઇલ-ફેટનો ઉપયોગ થાય છે આથી હવેથી આઇસ્ક્રીમ વેંચનાર દરેકે તેઓ આઇસક્રીમ વેંચે છે કે ફ્રોઝન ડેઝર્ટ ? તે અંગેનું સાઇન બોર્ડ શોપમાં ગ્રાહકોને વંચાય તેવી રીતે મૂકવું ફરજિયાત બનાવાયું છે તેમજ મેનુ કાર્ડમાં પણ તેનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવાયો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ઈટ રાઈટ ઈનિશિએટિવ અંતર્ગત નાગરીકો ને સુરક્ષિત, પૌષ્ટિક અને યોગ્ય માહિતીસભર આહાર મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા રાજકોટના મેયર ડો.નેહલ શુક્લ દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકોમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટતા જળવાઈ રહે અને ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે હેતુથી તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, રિટેલર્સ, પાર્લર સંચાલકો તેમજ કેટરિંગ સર્વિસ આપનારાઓ માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતાં દરેક આઈસ્ક્રીમ પાર્લર, ડેરી, દુકાન તેમજ વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોને સરળતાથી અને સ્પષ્ટપણે દેખાય તે રીતે મોટા અક્ષરોમાં સાઈન બોર્ડ લગાવવાનું રહેશે, જેમાં તેમના દ્વારા વેચવામાં આવતી કે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે.
કાયદા અને નિયમ મુજબ, ખાદ્ય પદાર્થની ગુણવત્તાની સ્પષ્ટતા કરવી મહત્વપૂર્ણ છે કારણ કે આઈસ્ક્રીમ દૂધની મલાઈમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ/ફેટનો ઉપયોગ થાય છે. ગ્રાહક પોતે શું ખરીદી રહ્યા છે તેની સચોટ જાણકારી મેળવી શકે તે તેમનો અધિકાર છે.
મેનુ કાર્ડ અને પેકેજિંગ ઉપર ઉલ્લેખ કરવાનો રહેશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ પણ તેમના મેનુ કાર્ડમાં પીરસવામાં આવતી વાનગી આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તેની સ્પષ્ટ નોંધ કરવાની રહેશે.
જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટની ખરીદી કરતી વખતે સાઈન બોર્ડ અને પેકેજિંગ પરની વિગતો અવશ્ય તપાસે.
કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, તમામ ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વિક્રેતાઓને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. જો કોઈ વેપારી કે ઉત્પાદક દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવશે અથવા નિયમ મુજબ સાઈન બોર્ડ લગાવવામાં નહીં આવે, તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફ્રોઝન ડેઝર્ટ વેંચવું પણ કાયદેસર પણ કહ્યા વિના વેચવું ગેરકાયદે
ફ્રોઝન ડેઝર્ટ વેંચવું પણ કાયદેસર છે અલબત્ત તેના પણ પેરામીટર્સ સુનિશ્ચિત કરેલા છે પરંતુ ગ્રાહકોને આઇસક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ પીરસવું તે ગેરકાયદેસર છે. આથી ફ્રોઝન ડેઝર્ટ ઉપર પ્રતિબંધ મૂકી શકાય તેમ નથી પરંતુ આવી સ્પષ્ટતાથી જન આરોગ્યને કથળતું જરૂરથી બચાવી શકાય છે.