લઘુતમ તાપમાનમાં ઘટાડાનો છેલ્લા છ દિવસથી શરૂ થયેલો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું જે નલિયા, ડીસા સહિત રાજ્યના અન્ય તમામ શહેરોમાં સૌથી નીચું છે. લઘુતમ તાપમાનમાં આવતીકાલથી ત્રણ દિવસ માટે ખાસ ફેરફારની કોઈ શક્યતા નથી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અમરેલીમાં 14, ભાવનગરમાં 17, ભુજમાં 17.8, દ્વારકામાં 21, કંડલામાં 18, નલિયામાં 14.7, ઓખામાં 22.2, પોરબંદરમાં 16.7, રાજકોટમાં 14.8 અને વેરાવળમાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.2, વડોદરામાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સુરતમાં આજે લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 થી 85% આસપાસ રહ્યું છે. જો કે મહત્તમ તાપમાનનો પારો ખાસ નીચે ઉતર્યો નથી. રાજકોટ, સુરત, ભુજ, દમણ, ડીસા સહિતના અનેક શહેરોમાં 32થી 33 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું છે. ગઈકાલે રાજકોટમાં 32.7, સુરતમાં 32.2, ભુજમાં 32, દમણમાં 32.8 અને ડીસામાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાનો નથી. આવી જ રીતે નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટના મોટાભાગના રાજ્યોમાં પણ લઘુતમ તાપમાન યથાવત રહેવાનું છે. જોકે તેલંગણામાં આગામી બે ત્રણ દિવસમાં જ લઘુતમ તાપમાન 3 થી 4 ડીગ્રી જેટલું નીચું ઉતરે તેવી શક્યતા છે. નોર્થ ઈસ્ટના રાજ્યો જેવા કે આસામ મેઘાલય અરુણાચલ માં ધુમ્મસનું પ્રમાણ વધી ગયું છે અને વિઝિબિલિટી માત્ર ૨૦૦ મીટર આસપાસ રહેવા પામી છે.
મધ્યપ્રદેશમાં બે દિવસ સિવિયર કોલ્ડ વેવનુ એલર્ટ
જમ્મુ કશ્મીર અને હિમાલય અને રીજીયનમાં ભારે હિમવર્ષા થવાના કારણે શ્રીનગરમાં શિયાળાની ચાલુ સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી એ પહોંચી ગયું છે. હિમો વર્ષાની અસરના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ અને સિવિયર કોલ્ડ વેવ ની ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના મોર્નિંગ બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વેસ્ટ મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડ વેવ ની શક્યતા છે. શિયાળાની ચાલુ સિઝનમાં આ પ્રકારનું એલર્ટ સમગ્ર દેશમાં પ્રથમ વખત મધ્યપ્રદેશ માટે આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત હરિયાણા ચંદીગઢ છત્તીસગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ વિદર્ભ ઝારખંડ અને ઓડિશા માટે કોલ્ડ વેવ ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં તથા કલકત્તા અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે આવી જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર પણ હિમાલયના ના રિજીયનના મોટાભાગના વિસ્તારોને પ્રભાવિત કરે છે અને તેથી ઠંડીનું જોર વધી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણના રાજ્યોમાં તામિલનાડુ કેરલા આંધ્રપ્રદેશ કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ તેલંગાણામાં આગામી બે થી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીના ઘટાડાની પણ આગાહી કરવામાં આવી છે.
આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ સહિતના નોર્થ ઈસ્ટ ના રાજ્યોમાં ધુમ્મસનું પ્રમાણ ઘણું વધી ગયું છે વિઝિબિલિટી માત્ર ૨૦૦ મીટર જેટલી હોવાના કારણે સવારે વાહન વ્યવહારને ભારે અસર થઈ રહી છે.