BREAKING NEWS

સોશિયલ મીડિયામાં ઘડિયાળની જાહેરાત મૂકી સાયબર ફ્રોડ આચરતી ગેંગ ઝડપાઈ

  • January 24, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી જાહેરાત જોઈને ખરીદી કરતા લોકો માટે સાવચેત કરતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં ઘડિયાળની જાહેરાત મૂકી, ફોલોઅર્સ પાસેથી ઓર્ડર મેળવી, એડવાન્સ પેમેન્ટ લઈ ઠગાઈ આચરતી ધોરાજીની ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.


ધોરાજી સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજુભાઈ ભોજાભાઇ ભોળદરીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર સલીમ શેખ, સુફિયાન સલીમ શેખ (બંને રહે સુધરાઈ કોલોની, ધોરાજી) ઉસ્માન સલીમ કાંગડા અને અહેમદ સલીમ કાંગડા (બંને રહે. દાણાવાલા ચોક, કાંગડા પેલેસ,ધોરાજી) ના આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ તરફથી મ્યુલ એકાઉન્ટ અંગેની સમન્વય પોર્ટલ પર જનરેટ થયેલી બે અરજીની તપાસ દરમિયાન ધોરાજીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ હોલ્ડર સિકંદર સલીમ શેખના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઇન સાઇબર ફ્રોડમાં થયો હોય અને ગત તા. 04-12- 2025 ના રોજ તેના એકાઉન્ટમાં ફ્રોડના રૂ.8,000 ક્રેડિટ થયાનું ધ્યાને આવતા પોલીસે સિકંદરને ઉઠાવી પૂછકરતા તેણે જણાવેલ હતું કે, મને મારા મિત્ર ઉસ્માન સલીમ કાંગડાએ બેંક ખાતુ વાપરવા આપવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, હું ફ્રોડના રૂપિયા તારા ખાતામાં ટ્રાન્સફર કરાવીશ જેમાંથી 20 ટકા તારે કમિશન પેટે રાખી બાકીના નાણાં મને આપી દેવાના રહેશે. જેથી રૂ.8,000 મારા બેંક એકાઉન્ટમાં આવતા મેં તેમાંથી 1600 રૂપિયા કમિશન પેટે રાખી અન્ય રૂપિયા 6400 ઉસ્માનને આપી દીધેલ હતા.


જ્યારે બીજી એક ફરિયાદની તપાસ કરતા તેમાં સુફિયાન સલીમ શેખ નામના શખસના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ગત તા.20-01-2026 ના રોજ 10 હજાર અને રૂ. 16 હજાર જમા થયેલ હતા. તેમજ તા. 21-01-26 ના રોજ આ બેંક એકાઉન્ટમાં રૂ. 24 હજાર જમા થયા હોવાનું સામે આવતા પોલીસે સુફિયાનની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે મને મારા મોટા ભાઈ સિકંદર સલીમ શેખે કહેલ કે, તું ઉસ્માન કાંગડાને તારું બેન્ક એકાઉન્ટ વાપરવા દે. એકાઉન્ટમાં જે રકમ ટ્રાન્સફર થશે તેમાંથી ૨૦ ટકા કમિશન પેટે મળી જશે, બાકીના નાણા ઉસ્માનને આપી દેવાના રહેશે. જેથી કુલ રૂ. 50 હજારમાંથી 10 હજાર કમિશન પેટે રાખીને રૂ.40 હજાર ઉસ્માનને આપી દીધા હતા.


બાદમાં પોલીસે ઉસ્માન સલીમ કાંગડાની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે, હું છેલ્લા દોઢ વર્ષથી મારા મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં 'ક્રોનો 247' નામથી આઈડી ધરાવું છું. જેમાં હાલ 17,100 ફોલોવર છે. હું આ આઈડી પર મોંઘી ઘડિયાળના ફોટો અને વિડીયો અપલોડ કરું છું. જે ઘડિયાળ ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સને પસંદ આવે તો તેની સાથે ઘડિયાળની ખરીદીની વાતચીત કરી ડિલિવરી પૂર્વે પેમેન્ટ આપવું પડશે તેવી શરત નક્કી કરી ઓનલાઈન પેમેન્ટ મેળવી લેતો હતો. આ પેમેન્ટના નાણા હું મારા બેંક એકાઉન્ટમાં જમા નહીં કરાવી અન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડેથી મેળવી તેમાં નાણા ટ્રાન્સફર કરાવી તેમની બેંક એકાઉન્ટ હોલ્ડર પાસેથી રોકડમાં નાણાં મેળવી લઈ છેતરપિંડી આચરતો હતો. ઉપરાંત ગ્રાહકને વિશ્વાસમાં લેવા માટે સેલોશિપ નામની એપ્લિકેશન મારફતે ડિલિવરીનું ફેક ટ્રેકિંગ મોકલી આપતો હતો. જે સમગ્ર કૌભાંડમાં મારો ભાઈ અહેમદ પણ જોડાયેલ હતો. જેથી પોલીસે અહેમદની પૂછપરછ કરતા ઉસ્માન કાંગડાએ આપેલી કબુલાત સાચી હોવાનું અને અહેમદના મોબાઇલમાંથી વિવિધ ઘડિયાળના ફોટા તેમજ ગ્રાહકો સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ મળી આવતા પોલીસે ચારેય શખસોની ધરપકડ કરી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, સિકંદર શેખ વિરુદ્ધ વલસાડના ઉમરગામ પોલીસ મથકમાં અને સુફિયાન શેખ વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application