ભારત સરકાર હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ના ફાયદાઓને માત્ર કાગળ પર મર્યાદિત રાખવા માંગતી નથી. ભારતીય કંપનીઓ આ કરારોનો ઉપયોગ કરીને તેમનું એક્સપોર્ટ (નિકાસ) વધારી શકે અને સ્થાનિક ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) મજબૂત કરી શકે તે માટે સરકાર એક ખાસ રોડમેપ તૈયાર કરી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરવાનો છે.
વૈશ્વિક બજારના ખુલ્યા દ્વાર
વર્ષ 2021 થી અત્યાર સુધીમાં ભારતે ઓસ્ટ્રેલિયા, UAE, મોરેશિયસ અને EFTA દેશો સહિત કુલ 38 દેશો સાથે મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. આ દેશોની આયાત ક્ષમતા અંદાજે 12 ટ્રિલિયન ડોલર છે, જે ભારતીય ઉદ્યોગસાહસિકો માટે નિકાસની વિશાળ તકો પૂરી પાડે છે.
કયા સેક્ટર્સને થશે મોટો ફાયદો?
સરકારના આ પ્લાન હેઠળ જે ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
કૃષિ અને ફૂડ પ્રોડક્ટ્સ: ખાસ કરીને સીફૂડ અને એગ્રી પ્રોડક્ટ્સ માટે વૈશ્વિક બજાર મેળવવા પર જોર.
ટેક્સટાઈલ અને લેધર: ગુજરાત જેવા રાજ્યો માટે આ ખૂબ જ મહત્વનું છે.
જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ: આ સેક્ટર્સને પાર્ટનર દેશોમાં ડ્યુટી-ફ્રી એન્ટ્રીનો લાભ મળી રહ્યો છે.
એન્જિનિયરિંગ અને ફાર્મા: ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે નવા માર્કેટની શોધ.
2 ટ્રિલિયન ડોલર એક્સપોર્ટનું લક્ષ્ય
કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ સતત ઉદ્યોગ સંગઠનો અને નિકાસ પરિષદો સાથે બેઠકો કરી રહ્યા છે. સરકારનો લક્ષ્યાંક આવનારા વર્ષોમાં કુલ નિકાસને 2 ટ્રિલિયન ડોલર (1 ટ્રિલિયન માલ-સામાન અને 1 ટ્રિલિયન સેવાઓ) સુધી પહોંચાડવાનો છે. નોંધનીય છે કે વૈશ્વિક પડકારો છતાં 2025-26માં ભારતની નિકાસ વિક્રમી 863.11 બિલિયન ડોલર સુધી પહોંચી છે.
"FTA એ માત્ર ટેક્સ ઘટાડવાની સમજૂતી નથી, પરંતુ તે ભારતીય કંપનીઓ માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં સ્થાન જમાવવાની અને વિશ્વ સ્તરે સ્પર્ધા કરવાની મોટી તક છે."
— શશિર પ્રિયદર્શી, પ્રમુખ (CRF) અને પૂર્વ ડાયરેક્ટર (WTO)
વિદેશી મિશનને સોંપાઈ જવાબદારી
વાણિજ્ય મંત્રાલયે વિદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસો (Indian Missions) ને પણ આ અભિયાનમાં સક્રિય કર્યા છે. તેમનું કામ વિદેશી બજારોમાં FTA વિશે જાગૃતિ લાવવાનું અને વેપારમાં આવતા અવરોધોને દૂર કરવાનું રહેશે.