ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરનારા કરોડો કરદાતાઓના મનમાં છેલ્લા ઘણા સમયથી એક જ મુંઝવણ હતી. શું સરકાર 'જૂની ટેક્સ વ્યવસ્થા' (Old Tax Regime) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે? જો તમે પણ હોમ લોન, ઈન્સ્યોરન્સ અને PPF જેવી બચત દ્વારા ટેક્સ બચાવવા માટે જૂની સિસ્ટમ પર નિર્ભર છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ સ્પષ્ટ કર્યું છે કે જૂની ટેક્સ વ્યવસ્થા હાલમાં ક્યાંય જવાની નથી.
સરકારે કરી સ્પષ્ટતા
CBDTના ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે ભલે મોટાભાગના લોકો નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) તરફ વળ્યા છે, પરંતુ સરકાર જૂની વ્યવસ્થાને બંધ કરવા માટે કોઈ 'સનસેટ ક્લોઝ' (નિયત સમયમર્યાદા) લાવવાનો હાલમાં કોઈ ઈરાદો ધરાવતી નથી.
આંકડા શું કહે છે?
તાજેતરના ડેટા મુજબ આશરે ૮૮ ટકા વ્યક્તિગત કરદાતાઓ હવે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ રિટર્ન ભરી રહ્યા છે. સરકારે વિશ્વાસ અપાવ્યો છે કે કરદાતાઓ પાસે હજુ પણ બંને વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે. સરકાર કોઈ પણ વ્યવસ્થા પરાણે થોપવા માંગતી નથી.
જૂની ટેક્સ સિસ્ટમ કોના માટે ‘સંજીવની’ સમાન?
ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ૮૮% લોકો નવી સિસ્ટમમાં ગયા હોવા છતાં, લાખો લોકો માટે હજુ પણ જૂની સિસ્ટમ જ ફાયદાકારક છે. જેમની પાસે મોટી હોમ લોન છે અને તેઓ વ્યાજ પર કલમ 24(b) હેઠળ છૂટ મેળવે છે, તેમના માટે જૂની સિસ્ટમ શ્રેષ્ઠ છે. જેઓ સેક્શન 80C હેઠળ PF, PPF, અને જીવન વીમામાં રોકાણ કરે છે.
HRA અને LTA
જે કર્મચારીઓ તેમના પગાર માળખામાં ઘરભાડા ભથ્થું (HRA) અને લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) નો લાભ લે છે, તેમને જૂની સિસ્ટમમાં ઓછો ટેક્સ ભરવો પડી શકે છે. નિષ્ણાતનું મંતવ્ય પ્રમાણે "આ વ્યવસ્થા એવા લોકો માટે સૌથી યોગ્ય છે જેઓ નાણાકીય શિસ્તનું પાલન કરે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું પસંદ કરે છે."
કેમ વધી રહી છે નવી રિજીમની લોકપ્રિયતા?
નવી ટેક્સ સિસ્ટમ તરફ લોકોના આકર્ષણ પાછળ પણ મજબૂત કારણો છે:
સરળતા: તેમાં રોકાણના કાગળો ભેગા કરવાની કે ટેક્સ ગણતરીની જટિલતામાં પડવાની જરૂર નથી.
વધુ છૂટ: નવી રિજીમમાં ટેક્સના સ્લેબ ઓછા છે અને બેઝિક એક્ઝેમ્પશન લિમિટ (કરમુક્તિ મર્યાદા) વધારે છે.
યુવા વર્ગની પસંદ: જે યુવાનો પાસે કોઈ લોન નથી કે જેઓ ભારે રોકાણ નથી કરતા, તેમના માટે નવી સિસ્ટમમાં ટેક્સનો બોજ ઓછો રહે છે.
શું ભવિષ્યમાં જૂની સિસ્ટમ બંધ થશે?
નિષ્ણાતો માને છે કે સરકાર જૂની વ્યવસ્થાને એક ઝટકામાં બંધ કરવાને બદલે તેને ધીમે-ધીમે અપ્રસ્તુત બનવા દેશે. જેમ જેમ લોકોની જૂની હોમ લોન પૂરી થશે અને રોકાણ કરવાની રીતો બદલાશે, તેમ તેમ જૂની વ્યવસ્થાની જરૂરિયાત આપોઆપ ઓછી થઈ જશે. સરકાર એવા લોકોને નિરાશ કરવા માંગતી નથી જેમણે તેમનું આખું નાણાકીય આયોજન જૂની વ્યવસ્થા મુજબ કરી રાખ્યું છે.