બાબરા : વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બાબરા પ્રખંડ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ અમરેલી રોડ, કડાપા શેરી ખાતે આવેલ આદ્યશક્તિ માતાજીના મંદિર ખાતે ભાવભેર યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા સહમંત્રી મનુભાઈ અસલાલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત જવાબદાર હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા કોષાધ્યક્ષ ડો. પંકજભાઈ ત્રિવેદી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાનો ઇતિહાસ, સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો, હિન્દુ સમાજની એકતા અને સંગઠન માટેની કામગીરી તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરી તેની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવવાનો છે. સમાજમાં સેવા, સંસ્કાર, સમરસતા અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમરેલી જિલ્લા બજરંગ દળ સહ-સંયોજક ઇન્દ્રજિતસિંહ ચૌહાણ, બાબરા પ્રખંડ ઉપાધ્યક્ષ રિષિભાઈ રૂપારેલિયા, બજરંગ દળ સંયોજક હરેશભાઈ ધોળકિયા, પ્રખંડ પૂર્વ મંત્રી અરવિંદભાઈ મેશીયા, મિલનભાઈ ચૌહાણ, ભવાનભાઈ રાતડિયા,આશિષભાઈ જોષી સહિત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ હિન્દુ સમાજની એકતા, સંગઠન, સેવા અને સંસ્કારના કાર્યને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, રાષ્ટ્રભાવના અને સંગઠન શક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો.