BREAKING NEWS

ઓપરેશન ગંગાજળઃ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ઘરભેગા કરી દેવાયા, માત્ર 3 મહિનાનો પગાર અને ભથ્થું મળશે

  • July 10, 2026 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં પારદર્શિતા અને કડક શિસ્ત લાવવાના ભાગરૂપે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આજે, ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને સસ્પેન્ડેડ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર (વર્ગ-૧) એ.બી.ચૌધરીને તાત્કાલિક અસરથી મુદત પૂર્વે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સરકારના આ કડક પગલાથી ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.  


ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ અંતર્ગત લેવાયો નિર્ણય

સરકારના સત્તાવાર જાહેરનામા અનુસાર, ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ-૧૦(૪) અંતર્ગત મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા ઠરાવો અને સૂચનાઓને આધારે, રાજ્ય સરકારે લોકહિત અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ક્લાસ-૧ના અધિકારી એ.બી.ચૌધરીને ૧૦ જુલાઈ ૨૦૨૬ની બપોર પછીથી તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે. શિસ્તભંગના પગલાંના ભાગરૂપે તેઓ અગાઉથી જ સસ્પેન્શન હેઠળ હતા અને તેમનું હેડક્વાર્ટર વડોદરા ખાતે ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં રાખવામાં આવ્યું હતું.


નિયમ મુજબ 3 મહિનાના પગાર-ભથ્થાં ચૂકવાશે

મુદત પૂર્વે નિવૃત્ત કરાયેલા અધિકારી એ.બી.ચૌધરીને સરકારના નિયમો અનુસાર ત્રણ મહિનાના પગાર અને ભથ્થાં સમાન રકમ ચૂકવવામાં આવશે. આ રકમની ગણતરી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તે પહેલાં તેઓ જે દરે પગાર મેળવી રહ્યા હતા તે જ દરે કરવામાં આવશે. ઉર્જા વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાલાની સહીથી રાજ્યપાલના આદેશ અનુસાર આ હુકમ જારી કરવામાં આવ્યો છે.


આ આદેશની નકલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ઉર્જા મંત્રીના અંગત સચિવ, મુખ્ય સચિવ (Chief Secretary), પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક તેમજ એકાઉન્ટન્ટ જનરલ (AG) સહિતના તમામ ઉચ્ચ વહીવટી વિભાગોને આગળની જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. વહીવટી તંત્રને સુધારવા માટે સરકાર આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ અધિકારીઓ સામે પણ આવા કડક પગલાં ભરી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application