BREAKING NEWS

રાજકોટમાં 100 બેડનું ગુજરાતનું સૌથી મોટું અને સૌરાષ્ટ્રનું પ્રથમ પેલીએટીવ કેન્સર કેર સેન્ટર બનશેઃ સંપૂર્ણ ફ્રી સેવા અપાશે, જાણો વિગતે

  • January 21, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે ખીરસરા પેલેસથી પાંચ કિલોમીટર દૂર અમરેલી ગામે સૌરાષ્ટ્રનું પ્રથમ અને ગુજરાતનું સૌથી મોટું પ્રીતિબેન પ્રભુાસભાઈ પારેખ પેલીએટીવ કેન્સર કેર સેન્ટર નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન એક ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે આઠ વાગ્યે કરવામાં આવશે. આ ભૂમિપૂજન કાર્યક્રમ બપોરના બાર વાગ્યા સુધી ચાલશે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં દ્વારકાશારદાપીઠાધિશ્વેર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, ગિરનાર મંડળ જુનાગઢના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ, પ્રખ્યાત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, મુંજકાના પરમાત્માનંદજી સરસ્વતી મહારાજ અને કથાકાર જીજ્ઞેશ દાદા ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહેશે. તેમજ દાતાઓ, રાજકોટ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, જાણીતી ડોક્ટરો અને સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ અંગેની માહિતી આપવા માટે સયાજી હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 


આ બહુ જ મોટી ઐતિહાસિક ઘટના હશે

કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટના સેક્રેટરી રૂપલબેન કોટકે જણાવ્યું હતું કે, એક ફેબ્રુઆરીના રોજ રાજકોટના અમરેલી ગામે ગુજરાતનું સૌથી મોટું અને સૌરાષ્ટ્રનું પહેલું પ્રિતીબેન પ્રભુદાસભાઈ પારેખ પેલેએટીવ કેન્સર કેર સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ બહુ જ મોટી ઐતિહાસિક ઘટના હશે. કારણ કે, આટલી ફેસેલિટીવાળું, સંપૂર્ણ નિશુલ્ક અને કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર મફ્ત સારવાર આપવામાં આવશે. જેની અંદર કેશ કાઉન્ટર જ નહીં હોય એવું કેન્સર કેર સેન્ટર ખોલવા જઈ રહ્યા છીએ.​​​​​​​


કેશ કાઉન્ટર જ નહીં હોય એવું કેન્સર કેર સેન્ટર 

રૂપલબેન કોટકે વધુમાં જણાવ્યું હતું કે, આવા દર્દીઓને અમે અહીં ગેમ ઝોન, સર્વધર્મ પ્રાર્થના હોલ, મેડિટેશન, હોમિયોપેથી, નેચરોપેથી, આયુર્વેદ, થિયેટર હોલ સહિતની ફેસિલિટી આપીશું. તેમજ જમવાનું પણ તદ્દન ફ્રી આપીશું. જ્યારે ડોક્ટરો અમને પ્રિસ્ક્રાઈબ કરીને આપે કે આ દર્દી પેલીએટીવ થઈ ગયું છે, હવે તેમની કોઈ ટ્રીટમેન્ટ બાકી નથી એ દરેક દર્દીઓ અહીં આવવા માટે લાયક રહેશે. આવા દર્દીઓની એડમિશનની વ્યવસ્થા એવી રીતે રાખીશું કે જ્યાં સુધી હોસ્પિટલમાં જગ્યા છે ત્યાં સુધી કોઈપણ પેલીએટીવ દર્દી કોઈ પણ ભેદભાવ વગર અહીંયા દાખલ થઈ શકશે. ત્રણ મહિનાની અંદર જો એવું બને કે હોસ્પિટલના બેડમાં જગ્યા નથી અને કોઈનું એડમિશન આવે તો આપણે તેમને વેઇટિંગ લીસ્ટમાં રાખીશું. દર ત્રણ મહિને એ દર્દીઓ જો જગ્યા હશે તો તેને ફરી એડમિટ કરીશું અને જગ્યા નહીં હોય તેઓ શોર્ટ બ્રેક લઈ ઘરે જઈ શકશે અને ફરી અહીં વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી શકશે.   


ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ રહી શકશે

વધુમાં જણાવ્યું હતું કે, આ સેન્ટરના ભૂમિદાનના દાતા શિલ્પા જ્લેવર્સવાળા પ્રભુદાસભાઈ પારેખ છે. પ્રિતીબેન પ્રભુદાસભાઈ પારેખના નામે આ પેલીએટીવ કેન્સર કેર હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ 100 બેડની હશે. આથી અમે 100 દર્દીઓ રાખી શકીશું કે જેઓ ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ છે. જેઓને હોસ્પિટલ કે ડોક્ટરોએ એવું કહી દીધું હોય કે હવે અમારી પાસે કોઈ ટ્રીટમેન્ટ બાકી નથી, તમે આને ઘરે લઈ જાવ અને સેવા કરો. પરંતુ છેલ્લા સ્ટેજના દર્દીઓની હાલત ખૂબ જ ખરાબ હોય છે. એમને ઘરે રાખવા, તેમને અલગ અલગ પેઇનને રિલીવ કરવું એ બહુ જ કઠિન કામ છે. એ લોકોની જિંદગી એક દિવસની પણ હોય શકે, છ મહિનાની પણ હોય શકે એ ઈશ્વર જ જાણતા હોય છે.  આવા દર્દીઓ જેઓને ઘરે રાખવા અત્યંત અઘરા છે, બહુ ખર્ચાળ છે અને પૂરા કુટુંબને આર્થિક રીતે બરબાદ કરી નાખે એવી સ્થિતિમાં હોય તેઓને અમે નિશુલ્ક અહીંયા રાખીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application