ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક નવો શિખર અને ઐતિહાસિક સિદ્ધિ સર કરી છે. રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દેશની પ્રીમિયમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે એક માનવ હૃદય (લાઇવ હાર્ટ)નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી સમયસર અને સુરક્ષિત રીતે લાઇવ હાર્ટ પહોંચાડીને ગંભીર રીતે બીમાર એક દર્દીને નવજીવન આપવાનો ભગીરથ અને સંવેદનશીલ પ્રયાસ સફળ બનાવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. વરસાદી માહોલને પગલે સુરતથી કોઈ પણ ફ્લાઈટ ઉપલે ન હતી. આવી કટોકટીભરી સ્થિતિમાં દર્દી સુધી સમયસર હૃદય પહોંચાડવું અતિ મુશ્કેલ બની ગયું હતું. આ ગંભીર સવાલ વચ્ચે ભારતીય રેલવે એક સંકટમોચન તરીકે આગળ આવ્યું અને માનવ અંગના પરિવહન માટે વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવાનો એક વિશિષ્ટ અને નવોતર નિર્ણય લેવાયો.
સુરતથી અમદાવાદ માટે ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે આ લાઇવ હાર્ટને સુરક્ષિત મોકલવામાં આવ્યું હતું. અમદાવાદ પહોંચાડાયા બાદ આ હૃદયને તુરંત જ શહેરની સુપ્રસિદ્ધ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક પ્રક્રિયા માટે લઈ જવામાં આવ્યું હતું. સમયની મર્યાદા વચ્ચે આ સમગ્ર મિશન પાર પાડવું એક મોટો પડકાર હતો.
આ સમગ્ર મિશનની સફળતા પાછળ સમયપાલન અને તમામ એજન્સીઓ વચ્ચેનું અદ્ભુત સંકલન મુખ્ય કારણ રહ્યું. આ લાઈવ હાર્ટને સુરત રેલવે સ્ટેશનેથી સવારે 9:18 વાગ્યે ટ્રેનમાં રવાના કરવામાં આવ્યું હતું અને બપોરે 12:55 વાગ્યે અમદાવાદની હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાયું હતું. એટલે કે માત્ર પોણા 4 કલાક જેવા અત્યંત ટૂંક સમયમાં સુરતથી અમદાવાદ સુધી આ લાઈવ હાર્ટને સુરક્ષિત રીતે પહોંચાડવામાં સફળતા મળી હતી.
મિશનને ઝડપી અને નિર્વિઘ્ન બનાવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 થી લઈને યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી એક વિશેષ 'ગ્રીન કોરિડોર' તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, આરપીએફ (RPF) અને તબીબોની ઉચ્ચ ટીમ વચ્ચે ઉત્કૃષ્ટ તાલમેલ જોવા મળ્યો હતો, જેના કારણે રસ્તામાં કે સ્ટેશન પર કોઈ પણ પ્રકારનો વિલંબ થયો ન હતો.
આ અભિયાનમાં વંદે ભારત એક્સપ્રેસની પૂરઝડપ, ગતિશીલતા અને સમયપાલન પરની વિશ્વસનીયતાએ જીવનરક્ષક મિશનની સફળતામાં પાયાની ભૂમિકા ભજવી છે. ભારતીય રેલવેના વિવિધ વિભાગો, પોલીસ તંત્ર, મેડિકલ ટીમ અને અંગ પ્રત્યારોપણ સંકલનકારોના સંયુક્ત પ્રયાસોથી જ એક અમૂલ્ય માનવજિંદગી બચાવી શકાઈ છે.
આ સફળતા એ સાબિત કરે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોની સફર કે માલસામાનના વહન સુધી સીમિત નથી રહી, પરંતુ તે આપાતકાલીન આરોગ્ય સેવાઓ અને ઈમરજન્સી મેડિકલ મિશનમાં પણ એક મજબૂત, ઝડપી અને અત્યંત વિશ્વસનીય સહયોગી તરીકે ઉભરી આવી છે.